શ્રી મલાડ દાલ મિલના કચ્છી માલિકો સામે ફ્રૉડની ફરિયાદ

10 February, 2020 10:20 AM IST  |  Mumbai | Samiullah Khan

શ્રી મલાડ દાલ મિલના કચ્છી માલિકો સામે ફ્રૉડની ફરિયાદ

તસવીર સૌજન્ય: જસ્ટડાયલ

મલાડ પોલીસે અનેક રોકાણકારો સાથે કથિત રીતે બે કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ મલાડમાં જાણીતા શ્રી મલાડ દાલ મિલના માલિકો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. મલાડ દાલ મિલના માલિકો હસમુખ ભાઈ રાંભિયા, ભાવેશ રાંભિયા, રતિલાલ રાંભિયા અને મિકેન રાંભિયાએ ૧૫ ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચે રોકાણકારો પાસેથી કથિત રીતે કરોડો રૂપિયા લીધા હોવાનો તેમની સામે આરોપ મુકાયો છે.
પોલીસે જણાવ્યા મુજબ મોટા ભાગના રોકાણકારો દાલ મિલના ગ્રાહકો જ હતા. મિલમાલિકોએ ૨૦૧૨માં તેમના ગ્રાહકોને રોકાણ કરવા જણાવતાં કહ્યું હતું કે તેમનાં નાણાંના રોકાણથી દાલમિલ સુપર માર્કેટમાં ફેરવી શકાશે તેમ જ બાંધકામ અને અન્ય બિઝનેસમાં પણ પ્રવેશ કરી શકાશે. આની સામે તેઓએ રોકાણકારોને ઊંચા વળતરની ખાતરી આપી હતી. દાલમિલના માલિકોનો ભરોસો કરીને તેમના ગ્રાહકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું.
રોકાણકારો સાથે રીતસર ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું તેમ જ આવકવેરામાં ક્લેમ કરવા તેમને રોકાણની રિસીટ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ જ્યારે ઇચ્છે ત્યારે મૂડી પાછી લઈ શકશે એવી બાંયધરી પણ આપવામાં આવી હતી. ૨૦૧૬ના અર્ધવાર્ષિક વળતરની ચુકવણી સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ નોટબંધી પછી વળતરની ચુકવણીમાં ધાંધિયા શરૂ થયા હતા.
એક રોકાણકાર ઉમા અને બ્રિજમોહન શર્માએ ૪૬ લાખ રૂપિયા, જ્યારે નવરંગ જોશીએ ૪૨.૨૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. હજી અનેક રોકાણકારોએ પોલીસનો સંપર્ક કર્યો નથી.
પોલીસે દાલમિલના માલિકોને નોટિસ મોકલી છે, પરંતુ તેમણે એ સ્વીકારી નથી. દાલમિલના માલિકોએ દિંડોશી કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.

samiullah khan mumbai mumbai news