મુંબઈમાં હવે ૨૪ કલાક ફૂડ ટ્રક ચાલુ રહેશે

30 December, 2019 02:12 PM IST  |  Mumbai | Chetna Sadadekar

મુંબઈમાં હવે ૨૪ કલાક ફૂડ ટ્રક ચાલુ રહેશે

મુંબઈમાં હવે ૨૪ કલાક ફૂડ ટ્રક ચાલુ રહેશે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૨૪ કલાક ફૂડ ટ્રક ચાલુ રાખવાનો કન્સેપ્ટ લાવવામાં આવશે. બીએમસીની પૉલિસી અનુસાર ફૂડ ટ્રક કયા-કયા પૉઇન્ટ પર ઊભી રાખવામાં આવશે એ જે-તે વૉર્ડના અધિકારીઓ નક્કી કરશે. 

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે બીએમસીના નેતાઓને ડ્રાફ્ટ પૉલિસી આપવા અગાઉ એમાં અમુક સુધારા-વધારા કરવામાં આવ્યા છે. બીએમસીના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ ટ્રકના માલિકોને લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવશે. લાઇસન્સ ઇશ્યુ કરતાં પહેલાં ફૂડ ટ્રકમાં સ્વચ્છતા, ટ્રન્સપોર્ટ લાઇસન્સ, કયા પ્રકારનો ખોરાક પીરસવામાં આવે છે એ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફૂડ ટ્રક કઈ જગ્યાએ ઊભી રાખવામાં આવશે અને એને લીધે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એનું ધ્યાન રાખવામાં આવશે. જોકે મોટા કમર્શિયલ વિસ્તારોની આસપાસ વધુ ટ્રક મૂકવામાં આવશે.

બીએમસીના સિનિયર હેલ્થ ડિપાર્ટમેન્ટ ઑફિસરે જણાવ્યું હતું કે ફૂડ ટ્રકને મંજૂરી આપ્યા બાદ ૨૪ કલાક એ કેવી રીતે ચાલુ રાખવામાં આવશે એ બાબતે ચકાસણી ચાલી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે નવી યોજનાને કારણે શહેરમાં કોઈ આગની કે ટ્રાફિક જૅમ જેવી સમસ્યા ન ઉદ્ભવે. આ સાથે અમે આરટીઓ સાથે પણ કો-ઑર્ડિનેટ કરી રહ્યા છીએ.

chetna yerunkar brihanmumbai municipal corporation mumbai news