બીજેપીના નગરસેવક સહિત પાંચ જણની હત્યાથી ભુસાવળમાં ખળભળાટ

08 October, 2019 03:40 PM IST  |  મુંબઈ ડેસ્ક

બીજેપીના નગરસેવક સહિત પાંચ જણની હત્યાથી ભુસાવળમાં ખળભળાટ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) વિધાનસભાની ચૂંટણીને ટાંકણે રવિવારે રાતે ૯ વાગ્યે ભુસાવળમાં બીજેપીના નગરસેવક સહિત પાંચ જણની ઘરમાં ઘૂસીને હત્યા થવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. હત્યારાઓ બીજેપી (આઠવલે ગ્રુપ)ના નગરસેવક રવીન્દ્ર ઉર્ફે હંપ્યા ખરાતના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના સહિત પરિવારજનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય ચાર જણ ઘાયલ છે. હત્યારાઓએ ગોળીબાર કરવાની સાથોસાથ ચાકુ અને ગુપ્તીના ઘા પણ માર્યા હતા. આ બનાવ આરપીડી રોડ પરના સેન્ટ્રલ હૉસ્પિટલ પરિસરમાં આવેલા લાલ ચર્ચ સામેના સમતાનગરમાં બન્યો હતો. 

આ આઘાતજનક ઘટનામાં પ્રેમસાગર રવીન્દ્ર ખરાત, હંસરાજ રવીન્દ્ર ખરાત, રવીન્દ્ર ઉર્ફે હંપ્યા બાબુરાવ ખરાત, સુનીલ બાબુરાવ ખરાત અને મોહિત ગજરેનાં મૃત્યુ થયાં છે. હત્યાના ત્રણ કલાક બાદ શેખર મેઘે, મોહસિન અજગર ખાન અને મયૂરેશ સુરાડકર જળગાવ એલસીબીના શરણે આવ્યા હતા. બાકીના આરોપીઓને પોલીસ શોધી રહી છે. જૂની અદાવતને લીધે આ હત્યા કરવામાં આવી હોવાનું જળગાવના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પંજાબરાવ ઉગલેએ કહ્યું હતું.
પોલીસે જણાવ્યું કે ‘હત્યારાઓએ ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને ખરાત-કુટુંબ પર ગોળીબાર કર્યો હતો. તેમણે પહેલાં નગરસેવક ખરાતના ભાઈ સુનીલ ખરાત પર પિસ્તોલથી ગોળીબાર કર્યા બાદ ચાકુથી હુમલો પણ કર્યો હતો. આથી બૂમાબૂમ થતાં નગરસેવક રવીન્દ્ર ખરાત પરિવારજનો સાથે ઘરની બહાર નીકળ્યો હતો. એ સમયે તેના પુત્રો પ્રેમસાગર અને હંસરાજ ઉર્ફે સોનુ ટૂ-વ્હીલર પર મહાત્મા ગાંધીના પૂતળા પાસે જીવ બચાવવા ભાગ્યા હતા. દરમ્યાન હત્યારાઓએ રેલવે હૉસ્પિટલ પરિસર સુધી તેમનો પીછો કરીને તેમના પર ગોળીબાર કર્યો હતો, જેમાં બન્ને માર્યા ગયા હતા.
આ હુમલામાં નગરસેવક રવીન્દ્ર ખરાત જખમી થતાં તેમને સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું.

Crime News mumbai bharatiya janata party