મુંબઈ સહિત દેશભરના 15 લાખ ઍપ બેઝ્‍ડ ટ્રાન્સપોર્ટ વર્કરોનું ફેડરેશન

22 December, 2019 12:51 PM IST  |  Mumbai

મુંબઈ સહિત દેશભરના 15 લાખ ઍપ બેઝ્‍ડ ટ્રાન્સપોર્ટ વર્કરોનું ફેડરેશન

ફાઈલ ફોટો- તસવીર સૌજન્ય- યૂટ્યૂબ

મુંબઈ સહિત દેશભરનાં મહાનગરોમાં છેલ્લાં કેટલાંક વર્ષથી ઍપ આધારિત ઓલા, ઉબર સહિતની ટૅક્સી-સર્વિસમાં ધરખમ વધારો થયો છે. આ સેક્ટરમાં ભારતનાં ૧૨૫ શહેરમાં ૧૫ લાખ જેટલા ડ્રાઇવરો આજે કામ કરી રહ્યા છે. આ તમામને થતી તમામ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે ઇન્ડિયા ફેડરેશન ઑફ ઍપ બેઝ્‍ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સની સ્થાપના કરવામાં આવી છે, જેની જાહેરાત ગઈ કાલે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં કરવામાં આવી હતી. બે દિવસના આ કાર્યક્રમમાં ઓલા, ઉબર તથા ફૂડ ડિલિવરી કરતી સ્વિગી અને ઝોમૅટો સહિતની કંપનીના ૨૫,૦૦૦ ડ્રાઇવરો હાજર હતા.

ફેડરેશન દ્વારા અપાયેલી માહિતી મુજબ ઝડપથી વધી રહેલા આ સેક્ટર સાથે સંકળાયેલા લોકોનું શોષણ, ભેદભાવ, આવક ઘટવી, દેવું વધવું અને ડ્રાઇવિંગના કલાકોમાં વધારો થવો, ઈંધણના ભાવમાં વધારો થવા સહિતની અનેક સમસ્યા સામે આવી રહી છે. નાનાં-મોટાં અસોસિએશનથી આ મુશ્કેલીનો અંત લાવવાની કોઈ સિસ્ટમ ન હોવાથી દેશભરનાં આ સેક્ટરનાં અસોસિએશનને એક છત્ર તળે લાવવા માટે ફેડરેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈમાં બે દિવસના કાર્યક્રમમાં મુંબઈ, નવી દિલ્હી, જયપુર, બૅન્ગલોર, હૈદરાબાદ, કોચી, ચેન્નઈ, લખનઉ અને ભોપાલ જેવાં ૯ શહેરના આ ક્ષેત્રના ૨૫,૦૦૦ ડ્રાઇવરો સામેલ થયા હોવાનું ફેડરેશનની માહિતીમાં જણાવાયું છે.

mumbai mumbai news ola uber