મુંબઈ: વિલે પાર્લેના રહેવાસીઓ પોલીસ ટ્રાફિક-પૅટ્રોલિંગમાં મદદરૂપ થાય છે

19 August, 2019 02:24 PM IST  | 

મુંબઈ: વિલે પાર્લેના રહેવાસીઓ પોલીસ ટ્રાફિક-પૅટ્રોલિંગમાં મદદરૂપ થાય છે

પૅટ્રોલિંગમાં મદદ કરતા રહેવાસીઓ

વિલે પાર્લેના રહેવાસીઓ મુંબઈ શહેરના લોકોને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અગાઉ સ્કૂલ જતાં બાળકો પાર્લે ટિળક સ્કૂલ નજીક ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને પકડવામાં પોલીસની મદદ કરતા હતા. હવે યુવાનોનું ગ્રુપ મોડી રાતે પૅટ્રોલિંગ કરવામાં તેમ જ નાકાબંધીમાં મુંબઈ પોલીસની સહાય કરવા માટે આગળ આવ્યું છે.

‘પાર્લેકર પોલીસ મિત્ર’ નામે ઓળખાતા આ ગ્રુપમાં ડૉક્ટર, વકીલ, સામાજિક કાર્યકરો, વેપારીઓ અને ઑટોરિક્ષાચાલકો તથા ફેરિયાઓ સહિત અન્ય વ્યવસાયીઓ સામેલ છે. બ્લુ ટીશર્ટ અને કાળા જીન્સનો ગણવેશ ધરાવતા આ ગ્રુપનું સંકલન વૉટ્સઍપ દ્વારા કરાય છે. વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાણેએ સ્થાનિક રહેવાસીઓ સાથે વિચારવિમર્શ કર્યા બાદ આ ગ્રુપ તૈયાર કર્યું હતું. આ ગ્રુપ પૅટ્રોલિંગ કરી અસામાજિક તત્ત્વોને ધ્યાનમાં આવતાં જ પોલીસને જણાવી તેમને પકડવામાં પોલીસને મદદ કરે છે. ‘પાર્લેકર પોલીસ મિત્ર’ની સહાયથી અમે ગુનાહિત રેકૉર્ડ ધરાવતા અનેક લોકોને પકડવામાં સફળતા મેળવી છે એમ ‘મિડ-ડે’ને જણાવતાં કાણેએ કહ્યું હતું કે ‘અમે તેમને સ્પષ્ટ સૂચના આપી છે કે તેમણે માત્ર પોલીસને માહિતી પહોંચાડવાનું કામ કરવાનું છે, જાતે કોઈ સાહસ કરવાનો પ્રયાસ કરવાનો નથી.’

નાકાબંધી વખતે પોલીસને માનવબળની સૌથી વધુ જરૂર પડે છે એવા સમયે નાકાબંધીના લગભગ કલાક પહેલાં અમે વૉટ્સઍપ પર સંદેશો મૂકી દઈએ અને પછી ગ્રુપના સભ્યો તેમની ફુરસદ પ્રમાણે અમારી સાથે જોડાતા જાય.

ભારતી પટેલ (સામાજિક કાર્યકર) કહે છે કે અમે અમારા વિસ્તારને સુરક્ષિત રાખવા માટે પોલીસ સાથે કામ કરીએ છીએ. હકીકતમાં પ્રત્યેક શહેરીજનનું આ પ્રથમ કર્તવ્ય છે.

ચેતના ઠક્કર (ગૃહિણી) જણાવે છે કે હું છેલ્લા કેટલાક સમયથી આ ગ્રુપ સાથે જોડાઈ છું. મારા ઘરના કામથી પરવાર્યા પછી હું પોલીસની મદદ માટે અમારા ગ્રુપ સાથે જોડાઉં છું.

આ પણ વાંચો : ગણપતિબાપ્પા લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવશે

આજના સમયની માગ છે કે પ્રત્યેક નાગરિકે સમાજની સુરક્ષા માટે પગલાં ઉઠાવવાં જોઈએ એમ મારું માનવું છે અને એટલે જ હું આ ગ્રુપમાં જોડાયો છું. જો આપણે પોલીસને મદદ કરીશું તો ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો થશે અને પોલીસને પણ વધુ માનવબળ મળતાં તેઓ સારી રીતે કામગીરી પાર પાડી શકશે તેમ ડૉ. આનંદ ત્રિવેદી, ફિઝિશ્યને જણાવ્યું હતું.

vile parle mumbai news