કાં‌દિવલીમાં યોગ સ્પર્ધાના નામે 700 જણ સાથે છેતર‌પિંડી

02 October, 2019 09:47 AM IST  |  મુંબઈ | દિવાકર શર્મા /પ્રીતિ ખુમાણ ઠાકુર

કાં‌દિવલીમાં યોગ સ્પર્ધાના નામે 700 જણ સાથે છેતર‌પિંડી

યોગગુરુ જ્ઞાનેન્દ્ર પાન્ડે

ગ્રૅન્ડ યોગ કૉમ્પિટિશનનું આયોજન કરનાર બનીબેઠેલા યોગગુરુએ ભારતભરના ૭૦૦ જણ સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. કૉમ્પિટિશનને નામે સ્પર્ધકો પાસેથી લાખો રૂપિયા પડાવીને આ યોગગુરુ ઊડનછૂ થઈ ગયા છે. કાંદિવલી પોલીસે યોગગુરુ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

યોગગુરુ જ્ઞાનેન્દ્ર પાન્ડેએ કાંદિવલી-વેસ્ટમાં આવેલા મથુરાદાસ રોડ પર વિજયપાર્કના મખિજા ગાર્ડનમાં ૨૯ સપ્ટેમ્બરે ભવ્ય યોગ કૉમ્પિટિશનનું આયોજન કર્યું હતું. યોગ કૉમ્પિટિશનની ભારતભરમાં પબ્લિસિટી કરવામાં આવી હોવાથી વિવિધ રાજ્યોમાંથી લોકોએ આમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં જોડાવા માટે આવ્યા હતા. યોગની સ્પર્ધામાં ભાગ લેવા માટે અંદાજે ૭૦૦ જેટલા સ્પર્ધકો આવ્યા હતા, પણ યોગગુરુ જ ગાયબ હતા. સહભાગીઓ પાસેથી ર‌જિસ્ટ્રેશન-ફી તરીકે ૫૦૦ રૂ‌પિયા પણ વસૂલવામાં આવ્યા હતા તેમ જ સ્પર્ધામાં ભાગ લેનાર સહભાગીઓમાંથી ‌વિજેતાને મેડલ, સ‌ર્ટિ‌ફિકેટ અને કૅટેગરી પ્રમાણે ૧,૨૦,૦૦૦ રૂ‌પિયા કૅશ પ્રાઇઝ પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

જ્ઞાન યોગ સેવા કેન્દ્ર દ્વારા અનાધી યોગ નામના ભવ્ય નૅશનલ લેવલ યોગ કૉમ્પિટિશનમાં પાંચ વર્ષથી માંડીને મોટી ઉંમરના યોગપ્રેમીઓ અને ટીચરોએ ભાગ લીધો હતો. ૧૦૦૮ સૂર્યનમસ્કાર કરવા બદલ ‌લિમકા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવનાર આ કાર્યક્રમનાં ઇવેન્ટ-ડિરેક્ટર શા‌મિલી ચક્રવર્તી અને યોગ આચાર્યનો દાવો કરનાર જ્ઞાનેન્દ્ર પાન્ડેએ કૉમ્પિટિશનમાં સ્વચ્છ ભારત અ‌ભિયાન હેઠળ ફેસબુક, વૉટ્સઍપ-ગ્રુપ વગેરે સોશ્યલ ‌મીડિયાનો ઉપયોગ કરીને કાર્યક્રમની પ‌બ્લિસિટી કરી હતી. આ કૉમ્પિટિશનમાં ભારતભરમાંથી ૭૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો અને સ્પર્ધકો પાસેથી રજિસ્ટ્રેશન-ફી સાથે ખાણી-પીણીની સુવિધા માટેના પણ પૈસા વસૂલવામાં આવ્યા હતા.

યોગગુરુ દ્વારા છેતરપિંડી થઈ હોવાનું માલૂમ થતાં કાંદિવલી પોલીસ સ્ટેશનમાં અનેક લોકોએ ફરિયાદ નોંધાવી હતી. કાં‌દિવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘યોગગુરુએ સોશ્યલ મીડિયાનો આધાર લઈને વિવિધ કૅટેગરીના ૬૦ સ્પર્ધકો માટે ૧.૨૦ લાખ રૂપિયાનું રોકડ ઇનામ, મેડલ અને સર્ટિફિકેટ આપવાની વાત કરી હતી. લલચામણી ઑફર અને ઓછી ફીને કારણે અનેક લોકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો એવું ફરિયાદીઓ દ્વારા જાણવા મળ્યું હતું. સ્પર્ધામાં ગુજરાત, ઝારખંડ, કેરળ, કર્ણાટક, આસામ, ‌બિહાર, વેસ્ટ બંગાલ વગેરે ઠેકાણેથી પણ લોકો જોડાયા હતા. સ્પર્ધકો પાસેથી યોગગુરુએ ર‌જિસ્ટ્રેશન-ફી, રહેવાની અને ખાવા-પીવાની સુ‌વિધાની વાતો કરીને લાખો રૂ‌પિયા ભેગા કર્યા હતા. સ્પર્ધા માટે લોકો ગ્રાઉન્ડ પર પહોંચ્યા, પરંતુ ત્યાં સુ‌વિધા નહોતી એથી લોકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા અને ધમાલ મચાવી હતી. સહભાગીઓ દ્વારા ઑનલાઇન ટ્રાન્સફર કરેલા પૈસાની તપાસ કરાઈ રહી છે. બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.’

સૂત્રોએ જણાવ્યા અનુસાર જ્ઞાનેન્દ્ર પાન્ડેએ દાવો કર્યો હતો કે તેમના યોગગુરુ બાબા રામદેવ છે અને કોઈક રાજકીય લૉબીએ નિશાન બનાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર કાર્યક્રમનું આયોજન કરવા માટે બીએમસી પાસેથી તમામ પ્રકારની પરવાનગી લેવામાં આવી હતી. અમુક સહભાગીઓના પોલીસ સ્ટેશનમાં પૈસા પણ પાછા આપ્યા હતા.’

આ પણ વાંચો : કાંદાના ભાવમાં ઘટાડો થતાં લાસલગાંવમાં ખેડૂતોએ હરાજી અટકાવી દીધી

શું કહેવું છે પી‌ડિતનું?

અંધેરીમાં રહેતા યોગ-ટીચર ‌વિવેકે ‘‌મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘યોગના નામે પણ લોકો ફ્રૉડ કરે એ ક્યારેય ‌વિચાર્યું નહોતું. મારા ‌મિત્ર આ‌શિષે મને યોગસ્પર્ધા ‌વિશે ‌જાણ કરી હતી એથી મેં ૫૦૦ રૂ‌પિયા ર‌જિસ્ટ્રેશનના ભર્યા હતા. મને જાણવા મળ્યું હતું કે અમુક લોકોએ પેટીએમથી તો અમુકે ગૂગલપેથી પણ પૈસા ભર્યા હતા. એક ‌દિવસીય કૅમ્પમાં સ‌ર્ટિ‌ફિકેટ, મેડલ વગેરે આપવાનાં હતાં. ર‌જિસ્ટ્રેશન કરતાં મને વૉટ્સઍપ બનાવેલા ગ્રુપમાં ઍડ કરવામાં આ‍વ્યો હતો. જોકે અમને એવું કહેવામાં આવ્યું હતું કે કાર્યક્રમનું મુખ્ય કોણ છે, એમાં કોણ જોડાયેલા છે જેવી મા‌હિતી બહાર અન્ય કોઈને આપવી નહીં. મને આ વાત જરા અજુગતી લાગી હતી એટલે હું ગ્રુપમાંથી એક્ઝિટ થઈ ગયો હતો.’

kandivli yoga