પોલીસે સાડાનવ લાખ ભરેલી બૅગ માત્ર કલાકમાં પાછી મેળવી આપી

12 July, 2019 09:19 AM IST  |  મુંબઈ | દિવાકર શર્મા

પોલીસે સાડાનવ લાખ ભરેલી બૅગ માત્ર કલાકમાં પાછી મેળવી આપી

પોલીસે સાડાનવ લાખ ભરેલી બૅગ માત્ર કલાકમાં પાછી મેળવી આપી

સાડા નવ લાખ રૂપિયા અને મોબાઇલ ફોન સાથેની પ્લાસ્ટિક વીંટાળેલી થેલી પડી ગયા બાદ જે. જે. માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓની મદદથી એક કલાકની અંદર પરત મેળવનારું દંપતી પોલીસની વિવિધ ટુકડીના સંકલનની સરાહના કરતાં થાકતું નથી.

બુધવારે બપોરે કાલબાદેવીથી પ્રૉપર્ટીની ખરીદી કરવા નીકળેલાં રક્ષા ગોહિલ અને તેમના પતિ પાસે સાડા નવ લાખ રૂપિયાની રોકડ રકમ હતી, જે વરસાદથી બચાવવા તેમણે મોબાઇલ સાથે પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળીને રાખી હતી. મોટરસાઇકલ પર બંને જણાની વચ્ચે દબાવીને મૂકેલી રોકડ રકમની આ બૅગ ભીંડીબજારના ભીડવાળા વિસ્તારમાં સરકીને ક્યારે રસ્તા પર પડી તેનું કોઈને ધ્યાન જ ન રહ્યું. અચાનક રોકડ રકમ ભરેલી બૅગ પાસે ન હોવાનું ધ્યાન પર આવતાં જ સ્થાનિકોએ તેમને જે. જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જણાવ્યું.

આ પણ વાંચો : જાતીય સતામણીનો ભોગ બન્યા પછી ટેસ્ટ માટે રાહ જોવા છતાં ન થઈ ટેસ્ટ

ડિવિઝનલ કમિશનર અવિનાશ ધર્માધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બનાવની ગંભીરતા સમજીને પોલીસે તેમના પ્રવાસના રસ્તાના સીસીટીવી કેમૅરાના ફુટેજનું નિરીક્ષણ કરતાં ભીંડીબજાર જંકશન પાસે બૅગ પડી હોવાનું જણાયું હતું. તેમ જ થોડા સમય બાદ બેકરી પ્રોડક્ટ્સ લઈને જઈ રહેલા સાઇકલ સવાર એક યુવકે તે ઉઠાવી હોવાનું પણ જોવા મળ્યું હતું. સાઇકલસવાર યુવકના ફોટોને આધારે તેની માહિતી મેળવી રોકડ રકમની બૅગ પરત મેળવી શકાઈ હતી. આ તમામ પ્રક્રિયા પોલીસની ટુકડીએ માત્ર એક કલાકના સમયગાળામાં પૂર્ણ કરી હતી.’

bhendi bazaar mumbai mumbai news