મુંબઈ: અનેક ચીમકીઓ અપાયા છતાં ફ્લૅટ ખાલી ન કર્યો

08 May, 2019 12:24 PM IST  |  મુંબઈ | દિવાકર શર્મા

મુંબઈ: અનેક ચીમકીઓ અપાયા છતાં ફ્લૅટ ખાલી ન કર્યો

અર્નાળાના ફ્લૅટમાં દયાજનક સ્થિતિમાં કૂતરાં - બિલાડાં

અર્નાળાના એક ફ્લૅટમાંથી એક કૂતરા અને એક બિલાડીની કોહવાયેલી લાશ અને ગંદકીમાં રહેતાં ૩૫ જેટલાં પશુઓ મળ્યાં પછી વિરારના અર્નાળા પોલીસ સ્ટેશનના અધિકારીઓ એ બધાંને સાચવી શકે એવી સામાજિક સંસ્થા શોધે છે. ત્રણ બેડરૂમ, હૉલ કિચનના ફ્લૅટમાં ૨૦ બિલાડી અને ૧૫ કૂતરા બિનવારસી હાલતમાં મળ્યાં પછી વિરાર પોલીસ સ્ટેશને એ ફ્લૅટ ભાડે લેનાર શેહનાઝ જાની સામે ઍનિમલ ક્રુઅલ્ટી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ઉક્ત ૩૫ જાનવરોને આશ્રય આપનાર સામાજિક સંસ્થા મળ્યા પછી પોલીસ એ પશુઓના માલિકની ધરપકડના પ્રયાસ શરૂ કરશે.

અર્નાળા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અપ્પાસાહેબ લેંગારેએ જણાવ્યું હતું કે ‘એ ૩૫ પશુઓને વૅટરનરી ડૉક્ટરની સારવાર અપાવવા અનેક સામાજિક સંસ્થાઓએ તૈયારી દર્શાવી છે પરંતુ એક પણ સંસ્થા એ અબોલ જીવોને અપનાવવા કે દત્તક લેવા તૈયાર નથી. એથી એ બધા જાનવરોને શેહનાઝ જાનીના એ ફ્લૅટમાં જ રાખવામાં આવ્યાં છે. પશુઓને કોઈ શેલ્ટરહોમમાં મોકલ્યાં પછી જ અમે શેહનાઝ જાનીની ધરપકડ કરી શકીશું.

આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર શેહનાઝ ગયા માર્ચ મહિનામાં વિરારના ફ્લૅટમાં શિફ્ટ થતાં પહેલાં નાલાસોપારા(પૂર્વ)માં એક ફ્લૅટમાં રહેતી હતી. શેહનાઝને આ પ્રકારના કારણસર જ ત્યાંથી પણ ભગાડવામાં આવી હતી. ગ્લોબલ સિટી વિસ્તારની હાઉસિંગ સોસાયટીની સેક્રેટરી હન્નાહ સિલ્વેરાએ જણાવ્યું હતું કે ‘શેહનાઝ જાનીએ વિરારના ફ્લૅટમાં શિફ્ટ થતાં પહેલાં લૅન્ડલેડી ડેઇઝી પરેરાને કહ્યું હતું કે એની એક દીકરીને હાર્ટની બીમારી હોવાથી આર્થિક તંગીને કારણે તાકીદે બીજે રહેવા જવું પડશે. એણે સિક્યૉરિટી ડિપૉઝિટ કે માસિક ભાડું કંઈ ચૂકવ્યું નહોતું. શેહનાઝે ઘરમાં ઘણા જાનવરો રાખ્યા હતા અને ફ્લૅટની બારીઓ અને મુખ્ય બારણું બંધ રાખતી હતી. અમે એને એક પણ પાળેલાં પ્રાણીની સાથે બહાર ફરવા નીકળતી જોઈ નહોતી. એના ફ્લૅટમાંથી પશુઓના વિચિત્ર અવાજો સંભળાય છે. ખાસ કરીને મધરાત પછી અસહ્ય પ્રકારનો શોરબકોર સંભળાય છે. એ પશુઓ પર અત્યાચાર કરવામાં આવતો હોય એવું લાગતું હતું. શરૂઆતમાં અમે એ ઘટનાઓની અવગણના કરી, પરંતુ રોજ રાતે ઊંઘ હરામ થવા માંડતાં પાડોશીઓએ સોસાયટીની ઑફિસમાં ફરિયાદ કરી હતી. પહેલાં ‘અમે ફ્લૅટના માલિકને જાણ કરી અને પછી ફ્લૅટના બારણે પહોંચ્યા હતા. શેહનાઝે બારણું ખોલ્યું ત્યારે શ્વાસ ન લઈ શકાય એવી દુર્ગંધ આવતી હતી. જાનવરોના મળમૂત્રથી ફ્લૅટની લાદી ભીની, ચીકણી અને ગંદી થઈ ગઈ હતી. તે ઉપરાંત કોહવાતા મૃતદેહની પણ દુર્ગંધ આવતી હતી. કમકમાટી ઊપજે એવી સ્થિતિ હોવાથી અમે ફ્લૅટના માલિકને જાણ કરી હતી. માર્ચ મહિનામાં ફ્લૅટના માલિકને જાણ કર્યા પછી શેહનાઝે પાળેલાં પશુઓ અને ઘરવખરી સાથે ફ્લૅટ ખાલી કરીને પુણે જતા રહેવાની લેખિત ખાતરી આપી હતી. વારંવાર એ બાબતની યાદ અપાવવા છતાં શેહનાઝે ફ્લૅટ ખાલી કર્યો નહોતો.

આ પણ વાંચો : અન્ય જાતિના યુવાનના પ્રેમમાં પડેલી કન્યાના રક્ષણનો પોલીસને HCનો આદેશ

તાજેતરમાં અચાનક એના ફ્લૅટમાંથી માથું ફાટી જાય એવી અસહ્ય દુર્ગંધ આવવા માંડી હતી. એના ફ્લૅટની ગંદકીને કારણે નજીકમાં રહેતા એક બાળકના શરીર પર ચાઠાં પડવા માંડ્યા હતા. રેન્ટ એગ્રીમેન્ટ રદ કરવાની ધમકી સાથે એક મહિનાની નોટિસ આપ્યા છતાં શેહનાઝે ફ્લૅટ ખાલી કરવામાં ધાંધિયા કરતાં લૅન્ડલેડી ડેઇઝી પરેરાએ શેહનાઝ જાની સામે અર્નાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

virar mumbai mumbai news