ચૂંટણીના આગલા દિવસે દારૂનો સંગ્રહ કરવાનું ખારના રહેવાસીને ભારે પડ્યું

23 October, 2019 07:48 AM IST  |  મુંબઈ

ચૂંટણીના આગલા દિવસે દારૂનો સંગ્રહ કરવાનું ખારના રહેવાસીને ભારે પડ્યું

પ્રતીકાત્મક તસવીર

ચૂંટણીને લીધે ૪૮ કલાક સુધી દારૂ પર પ્રતિબંધ હોવાને પગલે આગલા દિવસે દારૂનો સંગ્રહ કરવાનું વિચારનાર ખારની એક વ્યક્તિ સાથે ૩૮,૦૦૦ રૂપિયાની ઑનલાઇન છેતરપિંડી થઈ હતી. સિદ્ધાંત નૈનેન્દ્ર નામની વ્યક્તિએ ઑનલાઇન દારૂ મગાવ્યો હતો અને ઑર્ડર કરેલા દારૂ માટે ૯૦૦૦નો વ્યવહાર કરવા માટે તેની પાસે ક્રેડિટ કાર્ડની વિગતો માગવામાં આવી હતી. જોકે પછીથી તેના ધ્યાનમાં આવ્યું હતું કે તેના બૅન્ક-અકાઉન્ટમાંથી ૩૮,૦૦૦ રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, નૈનેન્દ્રએ મગાવેલો દારૂ તેના ઘરે પણ નહોતો પહોંચાડાયો.

મુંબઈની એક કૉર્પોરેટ ફર્મમાં કામ કરતા અને ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા નૈનેન્દ્રએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ચૂંટણીમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ હોવાને કારણે હું દારૂનો સંગ્રહ કરવા માગતો હતો. હું કામમાં વ્યસ્ત હતો. મેં નજીકની ઑનલાઇન લિકર શૉપ માટે સર્ચ કર્યું હતું અને છેતરપિંડી આચરનાર શખસે ખાર-વેસ્ટની પ્રખ્યાત લિકર શૉપ હોવાનું કહ્યું હતું. મેં જેને ઑર્ડર આપ્યો હતો તેણે મારી પાસે ક્રેડિટ કાર્ડની વિગતો માગી હતી અને તેણે મારા અકાઉન્ટમાંથી ૩૮,૦૦૦ રૂપિયા કાઢી લીધા હતા અને દારૂ પણ નહોતો મોકલાવ્યો. બાદમાં મને ખબર પડી કે મારી સાથે છેતરપિંડી થઈ છે. હું ત્યાર બાદ ખાર પોલીસ-સ્ટેશને ગયો હતો અને ફરિયાદ નોંધાવી હતી.’

mumbai crime news mumbai news khar