મુંબઈ: લખપતિ ભિખારીના શબ અને રૂપિયા પર પાંચ જણનો દાવો

09 October, 2019 12:49 PM IST  |  મુંબઈ | દિવાકર શર્મા અને અનુરાગ કાંબળે

મુંબઈ: લખપતિ ભિખારીના શબ અને રૂપિયા પર પાંચ જણનો દાવો

બિરડીચંદના ચાર પુત્રો ડાબેથી રાજકુમાર, ધરમપાલ, સુખદેવરામ અને સરજિત

વાશી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ને લાખોપતિ ભિખારી બિરડીચંદ આઝાદના મોતની તપાસમાં ચોંકાવનારાં તથ્ય જાણવા મળ્યાં છે. બિરડીચંદ ૧૯૭૦ના દાયકામાં નોકરીની શોધમાં અખાતના દેશમાં ગયા હતા અને ત્યાં બે વર્ષ સુધી કામ કર્યું હતું. બિરડીચંદને જેલ પણ થઈ હતી અને ત્યાર બાદ તેમણે પોતાની અટક બદલીને ‘આઝાદ’ કરી દીધી હતી.

વાશી જીઆરપીએ ગયા સપ્તાહે લોકલ ટ્રેન નીચે કચડાઈ ગયેલા બિરડીચંદના પુત્રોને શોધી કાઢ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આઝાદને પાંચ પુત્રો છે અને તેમનાં નામ સુખદેવરામ, રાજકુમાર, ધરમપાલ, સરજિત અને સાવરમલ છે. આ તમામ પુત્રોએ પિતાનું શબ અને રૂપિયા પર પોતાનો દાવો કર્યો છે.

મસ્કતમાં કામ કર્યાનો બિરડીચંદનો સર્વિસ કાર્ડ

તપાસની ગતિવિધિથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સાવરમલ મુંબઈમાં રહે છે. તેનો ભાઈ રાજકુમાર પણ છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં છે અને બાકીના પુત્રો રાજસ્થાનના સિકર શહેરની નજીક તેમના વતનમાં રહે છે. સાવરમલ મુંબઈની એક ખાનગી કંપનીમાં સુપરવાઇઝર છે.’ સાવરમલે પોલીસને જણાવ્યું હતું કે મારા પિતા ૧૯૭૭માં મસ્કત ગયા હતા અને ત્યાં બે વર્ષ સુધી સલાટ તરીકે કામ કર્યું હતું. સારીએવી કમાણી કર્યા બાદ મારા પિતા પાછા ફર્યા હતા અને મુંબઈ વસવાનો નિર્ણય લીધો હતો. ૧૯૯૩માં બિરડીચંદ મુંબઈ આવીને ગોવંડીમાં વસ્યા હતા, પણ તેમના પુત્રોને ત્યાં ન ફાવતાં તેઓ રાજસ્થાન જતા રહ્યા હતા. રાજસ્થાન પાછા ન ફરનારા એકમાત્ર પુત્ર સાવરમલે વિક્રોલીમાં રહેવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું કે ‘મારા પિતાને પાડોશીઓ સાથે તકરાર થતી રહેતી. તેમને પાડોશી સાથેની તકરારમાં જેલ પણ થઈ હતી. મારા પિતા ભીખ માગતા હતા એ હકીકત હું જાણતો નહોતો. એ જાણીને મને આઘાત લાગ્યો હતો. તેઓ ભિખારી નહોતા. તેમણે નિરંકારી બાબાનો બોધ લીધો હતો અને એને અનુસરતા હતા.’

મારા પપ્પા સ્વતંત્રતાસેનાની હતા એથી જ તેમણે પોતાની અટક બદલીને આઝાદ કરી હતી. અમારા પરિવારમાં વિખવાદ હતા, પરંતુ એનો અર્થ એવો નથી કે અમે અમારા પપ્પાને રઝળતા કરી દીધા હતા. તેમના રૂપિયાના મામલે મારી મમ્મી મગીદેવી છેલ્લો નિર્ણય લેશે.

- બિરડીચંદના પુત્ર સુખદેવરામ

mumbai news govandi anurag kamble