મહિલાઓને અશ્લીલ મેસેજ કરનારા વિકૃત સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ કરાઈ

22 September, 2019 02:54 PM IST  |  મુંબઈ

મહિલાઓને અશ્લીલ મેસેજ કરનારા વિકૃત સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) મુંબઈ સહિત દેશની અનેક મહિલાઓના મોબાઇલ-નંબર મેળવીને તેમની સાથે અશ્લીલ વાતચીત કરવાની સાથે ધમકી આપવાના આરોપસર પોલીસે હરિયાણામાંથી એક બૅન્કના વિકૃત સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ કરી હતી. ૩૫ વર્ષનો આરોપી નોકરી દરમ્યાન બૅન્કમાં આવતી શ્રીમંત મહિલાઓના મોબાઇલ-નંબર મેળવીને તેમને જુદા-જુદા સીમકાર્ડથી પરેશાન કરતો હોવાની ફરિયાદ મળ્યા બાદ મુંબઈની વડાલા ટીટી પોલીસે ૧૭ દિવસની સઘન તપાસ બાદ હરિયાણાથી પકડી પાડ્યો હતો.

વડાલા ટીટી પોલીસને એક યુવતીની ફરિયાદ મળી હતી કે કોઈક આકાશ નામનો કુરિયર કંપનીનો ડિલિવરી-બૉય તેને ફોન કરીને અશ્લીલ મેસેજ મોકલવાની સાથે મહિલાને શરમ આવે એવી વાતો કરીને પરેશાન કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપે છે. ૨૯ જુલાઈથી ૧૨ સપ્ટેમ્બર દરમ્યાન આવા અનેક ફોન આવ્યા હોવાથી પરેશાન યુવતીએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.
આરોપી જુદા-જુદા નંબર પરથી જુદાં-જુદાં સ્થળેથી ફોન કરતો હોવાનું જણાયા બાદ પોલીસે એનો પીછો કરતાં તે હરિયાણામાં રહેતો હોવાની માહિતી મળી હતી. પોલીસે ૧૭ દિવસ સુધી આરોપીને પકડવા સખત મહેનત કરીને ઝડપી લીધો હતો. ૩૫ વર્ષનો વિજયકુમાર ઉમાશંકર ગુપ્તા મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે, પણ તે હરિયાણના ગુડગાંવમાં એક બૅન્કમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો.
વડાલા ટીટી પોલીસ સ્ટેશનના અધિકારી જાધવના જણાવ્યા મુજબ ‘બૅન્કમાં દરેક કસ્ટમરને મોબાઇલ-ઍપમાં પોતાનો નંબર એન્ટર કરવાની સિસ્ટમ છે. આરોપી કોઈ શ્રીમંત અને સુંદર મહિલાનો નંબર નોંધી લઈને તેમને જુદા-જુદા સીમકાર્ડથી ફોન કરીને પરેશાન કરતો હતો. આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હોવાથી તેની ધરપકડ કરીને મુંબઈ લાવવામાં આવ્યો હતો.

Crime News mumbai mumbai news mumbai crime news