હીરાનો વેપારી ગુમ થઈ ગયો હોવાથી ડાયમન્ડ માર્કેટમાં ખળભળાટ

28 December, 2018 09:16 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

હીરાનો વેપારી ગુમ થઈ ગયો હોવાથી ડાયમન્ડ માર્કેટમાં ખળભળાટ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ સેન્ટ્રલમાં ભાટિયા હૉસ્પિટલની સામે આવેલા નવયુગનગરમાં રહેતો 36 વર્ષનો ડાયમન્ડનો વેપારી અંકુર દોશી બાવીસ ડિસેમ્બરે દરરોજની જેમ પોતાનું ફોર-વ્હીલર લઈને ઘરેથી BKC જવા નીકળ્યો હતો, પરંતુ એ દિવસે તેનો બપોરે અઢી વાગ્યે ફોન બંધ થયો ત્યારથી હજી સુધી શરૂ થયો નથી. કેસની તપાસ કરતી પોલીસે વિવિધ જગયાઓના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં સી-લિન્ક પરથી કાર પસાર થતાં દેખાઈ હતી અને કાશીમીરા હાઇવે તરફ જતી જોવા મળી હતી. અકુંરના પરિવારજનો બધે તેની તપાસ કરી રહ્યા છે, પરંતુ તેનો કોઈ પત્તો લાગી રહ્યો ન હોવાથી ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે. પરિવારે તાડદેવ પોલીસ-સ્ટેશનમાં અંકુરના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ કે અંકુર જલદી આવી જાય એમ જણાવીને અંકુરની પત્ની મૈત્રીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંકુર દરરોજ બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ BKC ડાયમન્ડ માર્કેટમાં જતા હોય છે. અંકુર તેમની DL 12 CM 0333 નંબર ધરાવતી કાર લઈને ગયા હતા. બાવીસ ડિસેમ્બરે બપોરે અઢી વાગ્યે તેમની વાત મારી અને મારી નણંદ સાથે થઈ હતી. ત્યાર બાદ પાંચેક વાગ્યે અમે તેમને ફોન કર્યો, પણ એ બંધ જ આવી રહ્યો છે. અંકુર દરરોજ રાતે આઠ વાગ્યે ઘરે આવી જાય છે, પરંતુ એ દિવસે તેઓ આવ્યા પણ નહીં અને તેમનો ફોન પણ સતત બંધ આવી રહ્યો છે. માર્કેટમાં પૂછતાં ત્યાંથી જાણ થઈ કે તેઓ માર્કેટ એ દિવસે ગયા જ નથી. તેમના મિત્રોથી લઈને સંબંધીઓ બધે જ તપાસ કરી, પણ કોઈ ભાળ મળી નથી. પરિવારજનો ભારે ચિંતામાં છે અને તેઓ જલદી ઘરે આવી જાય એવી પ્રાર્થના કરી રહ્યા છે.’

CCTV કૅમેરામાં કાર દેખાય છે એમ જણાવીને મૈત્રી દોશીએ કહ્યું હતું કે ‘પોલીસે કેસ નોંધીને તપાસ કરતાં અંકુરની કાર સી-લિન્ક પરથી નીકળીને કાશીમીરા હાઇવેની આગળ દેખાઈ રહી છે. જોકે એ બાજુએ તેમના કોઈ મિત્રો પણ રહેતા નથી કે અમે તપાસ કરીએ. ત્રણેક દિવસથી તેઓ તેમના કામને લઈને થોડા ચિંતામાં હતા, પરંતુ ચિંતા દૂર થઈ જાય એવી જ હતી. મારી બાળકી પણ તેના પપ્પા વિશે પૂછી રહી છે. આખો પરિવાર રાત-દિવસ એક કરીને તેમને શોધી રહ્યો છે.’

અંકુરના પિતા રમેશ દોશીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અંકુરને પરિવારના વીસથી પચીસ સભ્યો દિવસ-રાત એક કરીને શોધવામાં લાગ્યા છે. એવું કોઈ ટેન્શન તેને નહોતું જેથી તે જતો રહ્યો હોય એવું લાગતું તો નથી. કામમાં તેને કોઈ ઉપાડીને લઈ ગયું હોય એવી પણ અમને શંકા જઈ જ રહી છે. આખા ડાયમંડ માર્કેટમાં અંકુરના ગુમ થવાનો વિષય ખૂબ ચર્ચિત બની ગયો છે. અંકુર જેવી શાંત સ્વભાવની વ્યક્તિ કોઈની સામે ઊંચા અવાજમાં વાત પણ કરે એમ નથી. પોલીસ પણ અમને પૂરતો સપોર્ટ આપે અને તેઓ અંકુરને જલદી શોધી કાઢે એવી અમે આશા રાખીએ છીએ.’

પોલીસનું શું કહેવું છે?

આ કેસ સંભાળતા તાડદેવ પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સંદીપ ખંડાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસની એક ટીમ અમે નાલાસોપારા મોકલી છે. વરલી સી-લિન્કથી લઈને મુંબઈના વિવિધ રસ્તાઓ અને નૅશનલ હાઇવે પરના CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરતાં અંકુરની કાર પસાર થતી જોવા મળી છે. અમે અંકુરનો મોબાઇલ ટૅÿક પર રાખ્યો છે અને તેના કૉલ-ડેટા પણ તપાસ કરી રહ્યા છીએ. વિરાર સ્ટેશન પાસે પણ તેનું એક લોકેશન આવ્યું છે એ પણ અમે તપાસ કરી રહ્યા હોવાથી અંકુરને જલદી શોધવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.’

મુંબઈના વિવિધ રસ્તાઓ પર અંકુરની કાર જઈ રહી હતી એ CCTV કૅમેરાના ફુટેજમાં દેખાય છે.

mumbai news mumbai police bandra