રાજ્ય સરકારે નવા મોટર વેહિકલ્સ અમેન્ડમેન્ટ ઍક્ટનો અમલ સ્થગિત કર્યો

12 September, 2019 11:17 AM IST  |  મુંબઈ | ધર્મેન્દ્ર જોરે

રાજ્ય સરકારે નવા મોટર વેહિકલ્સ અમેન્ડમેન્ટ ઍક્ટનો અમલ સ્થગિત કર્યો

મોટર વેહિકલ્સ અમેન્ડમેન્ટ ઍક્ટ

વિધાનસભાની ચૂંટણીમાં મતદારોના અવળા પ્રત્યાઘાતોના ભયથી મહારાષ્ટ્ર સરકારે ‘વધુ સૂચના ન અપાય ત્યાં સુધી’ મહારાષ્ટ્ર મોટર વેહિકલ્સ ઍક્ટ, ૨૦૧૯નો અમલ સ્થગિત કર્યો છે. એથી વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરનારાઓએ અગાઉની જોગવાઈઓ પ્રમાણે દંડ ભરવાનો રહેશે. મોટર વેહિકલ્સ ઍક્ટમાં સુધારા સાથે ટ્રાફિકના ગુના બદલ દંડની રકમમાં જંગી વધારો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે જનતાએ તીવ્ર પ્રત્યાઘાતો વ્યક્ત કર્યા છે. ટ્રાફિકના ગુના માટે ભારે દંડ વસૂલવા બદલ રાજ્ય સરકારની ભારે ટીકા થઈ રહી છે.

કેન્દ્ર સરકારના દરેક કાયદા કે નિયમને અનુસરવાનું ફરજિયાત નહીં હોવાથી રાજ્ય સરકારો એવા કાયદા અને નિયમોમાં પોતાના સ્તરે સુધારા કરી શકે છે. એથી રાજ્ય સરકારે વાહનો માટેના સુધારિત કાયદામાં સ્વાધિકારનો વપરાશ કરીને રાજ્યના ટ્રાફિકના નિયમો તોડનારાઓને ભારે દંડ ભરવામાંથી રાહત આપી છે. વાહનચાલકો માટે અસહ્ય પ્રમાણમાં દંડની જોગવાઈ સામે મહારાષ્ટ્રના વાહનવ્યવહાર ખાતાના પ્રધાન દિવાકર રાવતે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. રાવતેએ આવી આકરી જોગવાઈઓને કારણે પોલીસ તંત્ર અને વાહનવ્યવહાર વિભાગમાં ભ્રષ્ટાચાર વધી જવાની ચેતવણી આપી હતી. એમણે કહ્યું હતું કે લોકો દંડ ભરવાને બદલે લાંચ આપીને ટ્રાફિકના અપરાધોમાંથી છટકી જશે.

ગઈ કાલે એક પત્રકાર પરિષદમાં દિવાકર રાવતેએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે નવા કાયદા બાબતે વાંધાના મુદ્દા કેન્દ્ર સરકારના વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીને જણાવ્યા છે. ગડકરીને લખેલા પત્રમાં ટ્રાફિકના ગુના માટે દંડની રકમ ઘટાડવાની વિનંતી કરી છે. અમારા પત્રને નીતિન ગડકરીનો જવાબ ન મળે ત્યાં સુધી નવા કાયદાનો અમલ કરવામાં નહીં આવે. કેન્દ્ર સરકાર નિર્ણય લે એવું અમે ઇચ્છીએ છીએ, ત્યાં સુધી અમે તટસ્થ રહીશું. આ કાયદાના અમલ માટે અમે અમારા તરફથી નોટિફિકેશન બહાર પાડવાના નથી. ટ્રાફિકના ગુના માટે નવા દર પ્રમાણે જેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે એ લોકો અદાલતમાં અપીલ કરી શકે છે.’

આ પણ વાંચો : મુંબઈ: 19 બ્રિજ પર ડાન્સની મનાઈ

કેન્દ્રના વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરી નવા સુધારિત કાયદાને સમર્થન આપતાં જનતાને કાયદાને માન આપવાનો અનુરોધ કરે છે. જોકે ગડકરીના પ્રખર ટેકેદાર અને રાજ્ય સરકારના કૃષિ કલ્યાણ નિગમના અધ્યક્ષ કિશોર તિવારીએ ઉક્ત કાયદાને વખોડ્યો છે. કિશોર તિવારીએ કહ્યું હતું કે ‘ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની રકમ વસૂલ કરવાની શરૂઆત કરવામાં આવશે તો લોકો માટે અસહ્ય સ્થિતિ પેદા થશે. લોકોની કમા‌ણી ન હોય એટલી રકમનો દંડ ભરવો પડે તો શું થશે. લોકો આપઘાત પણ કરી શકે.

mumbai mumbai news dharmendra jore