સૌરાષ્ટ્ર-કચ્છ તરફની પશ્ચિમ રેલવેની પંદર ટ્રેનો રદ કરાઇ

13 June, 2019 10:41 AM IST  |  મુંબઈ

સૌરાષ્ટ્ર-કચ્છ તરફની પશ્ચિમ રેલવેની પંદર ટ્રેનો રદ કરાઇ

ફાઈલ ફોટો

‘વાયુ’ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાનાં ક્ષેત્રોમાં ત્રાટકવાની આગાહીને ધ્યાનમાં રાખીને સાવધાનીરૂપે પશ્ચિમ રેલવેએ ગઈ કાલ (૧૨ જૂન)ના સાંજે છ વાગ્યાથી શુક્રવાર (૧૪ જૂન)ની સવાર સુધીના ગાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફની કેટલીક ટ્રેનો રદ કરી છે અને કેટલીક ટ્રેનોના પ્રવાસ ટૂંકાવવાનો નિર્ણય ગઈ કાલે લીધો હતો. બે દિવસમાં મુંબઈ સહિત ગુજરાત બહારનાં સ્થળો અને સૌરાષ્ટ્રનાં સ્ટેશનો વચ્ચેની ટ્રેનોને અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ ખાતે અટકાવીને પાછી મોકલવાના નિર્ણયો લેવાયા હોવાથી સંબંધિત ટ્રેનોના પ્રવાસીઓને ફેરફારની જાણકારી મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને વાવાઝોડું જ્યાંથી પસાર થવાની આગાહી કરવામાં આવી છે એવા દરિયાકાંઠાના વિસ્તારો વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ગાંધીધામ અને ભુજ તરફની ટ્રેનો બાબતે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેએ ગાંધીધામ, ભાવનગર, પોરબંદર, વેરાવળ અને ઓખાથી સ્થાનિક લોકોને સુરક્ષિત ઠેકાણે ખસેડવા માટે ખાસ ટ્રેનો દોડાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાકીદના સંજોગોમાં સૌથી નજીકના સલામત સ્થળ સુધી લોકોને પહોંચાડવા માટે ૬થી ૧૦ કોચ ધરાવતી વિશેષ ટ્રેનો પણ તૈયાર રાખી છે. કાંઠાળ ક્ષેત્રોના ડેપો અને સ્ટેશન યાર્ડ્સ ખાતે ઉપલબ્ધ કોચ પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વાવાઝોડાને કારણે મુંબઈમાં પવન સાથે ભારે વરસાદ

રેલવે ઇમર્જન્સી કન્ટ્રોલ ઑફિસોની સક્રિયતા જાળવવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. રેલવે તંત્રના સંબંધિત અધિકારીઓને પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ, જેસીબી મશીન્સ, ઝાડ કાપવાનાં યંત્રો, પાણીની ટાંકીઓ, ટ્રૅક્ટર્સ અને જનરેટર્સ પણ રાખવામાં આવ્યાં છે.

mumbai western railway indian railways mumbai news