હત્યાકેસમાં ટ્વિસ્ટ: બૅગમાં મળેલા બૉડીના પાર્ટ બે અલગ-અલગ વ્યક્તિના?

21 December, 2019 08:01 AM IST  |  Mumbai | Diwakar Sharma

હત્યાકેસમાં ટ્વિસ્ટ: બૅગમાં મળેલા બૉડીના પાર્ટ બે અલગ-અલગ વ્યક્તિના?

બેનેટ રિબેલો

સાંતાક્રુઝના મ્યુઝિશ્યન બેનેટ રિબેલોની ઘાતકી હત્યાના કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચને ૧૧ ડિસેમ્બરે કુર્લામાં સુન્ની કબ્રસ્તાન નજીક મીઠી નદીમાં તપાસ કરતી વખતે તેના શરીરનાં અંગો મળ્યાં હતાં. ક્રાઇમ બ્રાન્ચે આ વિશે એ અંગો રિબેલોનાં હોવાનું માની લીધું હતું, પણ બે દિવસ પછી પ્રભાદેવી ચોપાટી પરથી શરીરનાં અંગ વિનાનું ધડ અને પેટ તથા આંતરડાં મળી આવતાં હવે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. હવે કેસનો બધો મદાર બૉડી-પાર્ટ્સના ડીએનએ-રિપોર્ટ પર છે, કારણ કે એમાં એવું પણ તારણ નીકળી શકે એમ છે કે આ બૉડીના પાર્ટ્સ બે અલગ-અલગ વ્યક્તિના હોઈ શકે.

એક બૉડીમાં લગભગ ત્રણ ઇંચ લાંબો ધાતુનો સળિયો બેસાડવામાં આવેલો જોવા મળ્યો હતો, જે મહદંશે રિબેલોના શરીરનો ભાગ હોઈ શકે છે. અંદાજે ૨૫ વર્ષ પહેલાં રિબેલોના શરીરમાં ધાતુનો સળિયો બેસાડાયો હોવાનું તેના પરિવારે કબૂલ્યું હતું.

ડીએનએ-રિપોર્ટ આવ્યા બાદ એના આધારે શરીરનાં બધાં અંગોને એક કરવામાં આવશે અને આ રિપોર્ટને રિબેલોના ભાઈના ડીએનએ સાથે મૅચ કરવામાં આવશે. રિબેલોના ભાઈ સાથે ડીએનએ મૅચ થાય તો પરિવારને બૉડી સોંપવામાં આવશે, પણ જો એ રિબેલોના ભાઈના ડીએનએ સાથે મૅચ નહીં થાય તો એનો અર્થ એ થઈ શકે કે કુલ બે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે અને આ માન્યતાના આધારે પોલીસ તેની તપાસને વધુ સઘન કરશે.

જોકે ક્રાઇમ બ્રાન્ચ (યુનિટ-૫)ના વરિષ્ઠ પોલીસ અધિકારી જગદીશ સાઈલે ૧૧‍ ડિસેમ્બરે કોઈ માનવશરીરનાં અંગો મળ્યાની વાતને નકારી કાઢતાં કહ્યું હતું કે રિબેલોની હત્યા કરનારા સગીર છોકરાએ પેટની નીચેના હિસ્સામાં જમણી બાજુએ ચાકુના ઉપરાઉપરી ઘા કર્યા હોવા જોઈએ, જેને લીધે નીચેનું અંગ કાપતી વખતે પેટ અને આંતરડાનો હિસ્સો બહાર નીકળી ગયો હોવો જોઈએ, જેનો નિકાલ કરતાં પહેલાં બન્ને જણે પ્લાસ્ટિકમાં વીંટાળી દીધો હશે.

mahim mumbai crime news mumbai crime branch Crime News mumbai news