બ્લૅક મૅજિકથી પૈસાનો વરસાદ કરવાના નામે છેતરપિંડી કરતી ગૅન્ગ ઝડપાઇ ગઇ

01 January, 2020 01:52 PM IST  |  Mumbai

બ્લૅક મૅજિકથી પૈસાનો વરસાદ કરવાના નામે છેતરપિંડી કરતી ગૅન્ગ ઝડપાઇ ગઇ

નિશ્વિતકુમાર રવિરાજ શેટ્ટી

કાળા જાદુથી આત્મા પાસે પૈસાનો વરસાદ કરાવવાના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના આરોપસર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીની એક ગૅન્ગને બે દિવસ પહેલાં ઝડપી લીધી હતી. આ ટોળકીના એક આરોપીના મીરા રોડના ઘરમાં લોકોને બોલાવીને બ્લૅક મૅજિક દ્વારા આપેલી રકમના પચાસ ગણા રૂપિયા કરવાની લાલચ આપતા હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની યુનિટ-૯ની ટીમના ઇન્સ્પેક્ટર આશા કોરકેને બાતમી મળી હતી કે બાંદરા રેક્લેમેશન પાસેની લાલમટ્ટી ઝૂંપડપટ્ટી પાસે એક કારમાં બેઠેલા કેટલાક લોકો પૈસાનો વરસાદ કરવાની વાત કરી રહ્યા છે. આથી પોલીસની ટીમે ૨૮ ડિસેમ્બરે એ સ્થળે જઈને કારમાં બેઠેલા ચાર જણને તાબામાં લઈને તેમની પૂછપરછ કરી હતી.

પૂછપરછમાં જણાઈ આવ્યું હતું કે ચારમાંથી નિશ્વિતકુમાર રવિરાજ શેટ્ટી નામનો ૩૬ વર્ષનો ફાઈનૅન્સનો વ્યવસાય કરતો અને મીરા રોડમાં જીસીસી ક્લબ પાસેની બિલ્ડિંગમાં રહેતા યુવકના બૅન્ક ખાતામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકોના કરોડો રૂપિયા ક્રેડિટ થવાની સાથે તેણે કૅશ પણ સ્વીકારી છે. ચારેય આરોપીઓ લોકોને બ્લૅક મૅજિકથી આત્માને બોલાવીને લોકો પાસેથી લીધેલા રૂપિયાના પચાસ ગણા કરી આપવાને નામે છેતરપિંડી કરે છે. કોઈ રૂપિયા આપે તો તેઓ બાદમાં જવાબ નથી આપતા.

એક વ્યક્તિએ આ ગૅન્ગની ફરિયાદ પણ પોલીસમાં નોંધાવી છે, એણે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે પૈસાનો વરસાદ કરવાના નામે આ ટોળકીએ ૧,૧૨,૪૧,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરી છે. આથી તેમની સામે બાંદરા પોલીસ સ્ટેશનમાં આઇપીસીની ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૭૧, ૪૭૨ ૧૨૦(બ) વગેરે કલમો તથા મહારાષ્ટ્ર નરબલિ અને અઘોરી પ્રથા અને જાદુ ટોણા પ્રતિબંધની વિવિધ કલમો લગાવીને ચારેય આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

mumbai news mumbai crime news Crime News mumbai crime branch