થર્ટીફર્સ્ટે ૨૪ કલાકની ઉજવણી પર મુંબઈગરામાં જોવા મળ્યો વિરોધાભાસ

28 December, 2018 09:23 AM IST  |  મુંબઈ | મમતા પડિયા

થર્ટીફર્સ્ટે ૨૪ કલાકની ઉજવણી પર મુંબઈગરામાં જોવા મળ્યો વિરોધાભાસ

અભિનેતા કીકુ શારદા

 

વેસ્ટર્ન કલ્ચરમાં ક્રિસમસથી લઈને થર્ટીફર્સ્ટની ઉજવણીમાં એક દિવસ બજારોમાં ‘બૉક્સિંગ ડે’ રાખીને ભારે ભરખમ ડિસ્કાઉન્ટ આપીને ૨૪ કલાક લોકો શૉપિંગ કરી શકે છે તેમ જ એન્ટરટેઇનમેન્ટ માટે નાઇટલાઇફ ધમધમતી હોય છે. 

શહેર આખી રાત ધમધમતું રહેશે તો રાતે દારૂના નશામાં ચૂર થઈને મુંબઈગરા ધમાલ ન મચાવે એવા ભયની સાથે મનોરંજનની તક આપવાની કેટલાકે સહમતી દર્શાવી હતી તો કેટલાકે શ્રીમંતો ગમે ત્યારે ઉજવણી કરી શકે છે એવું ઉદાહરણ આપીને સામાન્ય નાગરિકોની વ્યથાની ચિંતા વ્યક્ત કરી હતી. છેવટે મુખ્ય પ્રધાન આ પ્રસ્તાવ પર યોગ્ય નિર્ણય લેશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

રાતોરાત કે અચાનક આવા નિર્ણય ન લઈ શકાય

નવા વર્ષ નિમિત્તે આખી રાત ઉજવણી કરવા મળે એ ખૂબ સારો વિચાર છે. આમેય થર્ટીફર્સ્ટની રાતે રસ્તાઓ પર ઘણું ક્રાઉડ જોવા મળે છે. જોકે આખી રાત હોટેલો અને અન્ય સ્થળોએ ક્રાઉડને સંભાળવાનંમ કામ સરળ નથી. આ પગલાથી હું સહમત છું, પરંતુ જો આખી રાત મૉલ ખુલ્લા રહેશે તો થર્ટીફર્સ્ટે દારૂના નશામાં કોઈ વ્યક્તિ કાબૂમાં ન રહે અને અજુગતું બની શકે છે. ન્યુસન્સ થવાની સંભાવનાને નકારી ન શકાય. ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવમાં ખાસ થર્ટીફર્સ્ટની રાતે કેટલાય લોકોને પકડવામાં આવે છે એને અવગણી ન શકાય. આવા વિચારને અમલમાં મુકવા માટે વિશેષ પ્લાન તૈયાર કરવો પડે. બેથી ત્રણ વર્ષના પ્લાનિંગ બાદ એને અમલમાં મૂકી શકાય, કારણ કે તરત જ આ પ્રકારના વિચારને રાતોરાત કે અચાનક અમલમાં મૂકવો અશક્ય છે.

- કીકુ શારદા, અભિનેતા

નિર્ણય હજી લેવાયો નથી - મંજુનાથ શિંગે, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (પોલીસ પ્રવક્તા)

નવા વર્ષની ઉજવણી નિમિત્તે ચોવીસ કલાક વ્યવસ્થાપનો ચાલુ રાખવાનો પ્રસ્તાવ સરકાર પાસે વિચારાધીન છે. ગવર્નમેન્ટે હજી સુધી નિર્ણય લીધો નથી.

જેમની પાસે અઢળક પૈસા છે તેમને ફાઇવસ્ટારમાં ઉજવણી કરવા માટે થર્ટીફર્સ્ટ કે અન્ય પર્વની જરૂર નથી

આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાનને લખેલા પત્ર વિશે જાણ થઈ છે. જોકે જે શ્રીમંત છે અથવા જેમની પાસે અઢળક પૈસા છે તેમને ફાઇવસ્ટારમાં ઉજવણી કરવા માટે થર્ટીફર્સ્ટ કે અન્ય પર્વની જરૂર નથી. આખો દિવસ કામ કરીને રાતે ઘરે પાછા ફરેલા સામાન્ય નાગરિકને શાંતિની ઊંઘ જોઈતી હોય છે. આપણા દેશમાં લોકશાહી છે અને પોતાના વિચારો રજૂ કરવાનો દરેકને અધિકાર છે. આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન સમક્ષ પોતાના વિચાર રાખ્યા છે અને તેઓ યોગ્ય નિર્ણય લેવા માટે સક્ષમ છે. જોકે હું અહીં આ વાત જરૂર કહીશ કે અમેરિકા જેવા દેશની જેમ આપણો દેશ હજી એટલો પણ ફૉર્વર્ડ થયો નથી, કારણ કે કાયદો અને વ્યવસ્થાનું પાલન થવું જરૂરી છે. એ સાથે જો આખું શહેર દિવસ અને રાત એમ ચોવીસ કલાક જાગતું હોય તો બીજા દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ નાગરિકોને આરામ કરવા રજા આપવી જોઈએ. વેસ્ટર્ન કલ્ચરમાં આવી બાબતો પર ખાસ ધ્યાન રાખતાં બે દિવસની રજા હોય છે. આખરે મુખ્ય પ્રધાન આ બાબતે જે નિર્ણય લેશે એ આવકાર્ય છે.

- ગોપાલ શેટ્ટી, સંસદસભ્ય

સામાન્ય નાગરિકોને રાતે એન્જૉય કરવાની તક મળશે

મુંબઈના મનોરંજન અને અન્ય વ્યવસ્થાપનો જરૂર આખી રાત ખુલ્લાં રહેવાં જોઈએ. મોટા ભાગના મુંબઈગરા નોકરિયાત વર્ગ છે. એથી થર્ટીફર્સ્ટે દરેકને રજા હોય એવું શક્ય નથી. એવા લોકોને રાતે એન્જૉય કરવાની તક મળશે. આ ઉપરાંત ઘણા સમયથી ઠંડા પડેલા બિઝનસને પણ વેગ મળશે. દિવસના સમયે જેમ ન્યુસન્સ ન થાય એની તકેદારી રાખવામાં આવે છે એ જ રીતે રાતે પણ ચાંપતો બંદોબસ્ત શહેરમાં રાખવો પડશે.

- તેજન બોટાદરા, ઇવેન્ટ મેનેજર

બિઝનેસનો વિસ્તાર અને લોકોને રોજગાર મળશે

મુંબઈ કૉસ્મોપોલિટન શહેર છે અને મુંબઈ રાતે સૂતું નથી. કાયદો અને વ્યવસ્થાનું પાલન કરીને અમલમાં મૂકવામાં આવેલો દરેક નિર્ણય આવકાર્ય છે. થર્ટીફર્સ્ટને ‘ડે ઑફ સેલિબ્રેશન’ કહેવાય છે. એમાં સારી બાબત એ છે કે હોટેલો અને રેસ્ટોરાંને વહેલી સવાર સુધી ચાલુ રાખવાની પરવાનગી મળી શકે છે. આદિત્ય ઠાકરેએ વ્યક્ત કરેલો વિચાર ખૂબ સારો છે અને એને પગલે ઘણાય બિઝનસનો વિસ્તાર થશે અને લોકોને રોજગાર મળશે.

- સંતોષ શેટ્ટી, આહાર પ્રેસિડન્ટ

આદિત્ય ઠાકરેનો વિચાર સરાહનીય

આદિત્ય ઠાકરેનો વિચાર સરાહનીય છે. જોકે મુંબઈમાં દરેક વિસ્તારમાં નાના વ્યવસ્થાપનો ખુલ્લાં રાખવાં મુશ્કેલ છે. હા, બાંદરા લિન્ક રોડ, પાલી હિલ, દરિયાકિનારાના વિસ્તારો તેમ જ મૉલમાં દુકાનદારો ચોવીસ કલાક પોતાનો વ્યવસાય ચાલુ રાખી શકે છે. દરેક દુકાનદારને ચોવીસ કલાક દુકાન ચાલુ રાખવી પરવડી શકે એમ નથી. જોકે થર્ટીફર્સ્ટ જ નહીં, દિવાળી અને ઈદ જેવા તહેવારોની ઉજવણી પણ મોટા પાયે થવી જોઈએ.

- વીરેન શાહ, ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન

mumbai news kiku sharda