સાંઈબાબાના જન્મસ્થળનો વિવાદ શિર્ડી આજે બંધ રહેશે, મંદિર ખુલ્લું રહેશે

19 January, 2020 01:54 PM IST  |  Mumbai Desk

સાંઈબાબાના જન્મસ્થળનો વિવાદ શિર્ડી આજે બંધ રહેશે, મંદિર ખુલ્લું રહેશે

૧૯મી સદીના સંત સાંઈબાબાના જન્મસ્થાનરૂપે પરભણી જિલ્લાના પાથરી ગામના વિકાસ માટે ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણીના વિરોધમાં આજે શિર્ડી શહેર બંધ રહેશે, પરંતુ સાંઈબાબાનું મંદિર ખુલ્લું રહેશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ‘સાંઈ જન્મસ્થાન વિકાસ’ માટે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવતાં વિવાદ જાગ્યો હતો. સાંઈબાબાનો જન્મ પાથરી ગામમાં થયો હોવાનો દાવો એ ગામના લોકો કરે છે, પરંતુ શિર્ડીના રહેવાસીઓ કહે છે કે સાંઈબાબાના જન્મસ્થળ વિશે કોઈ જાણતું નથી. 

સ્થાનિક વિધાનસભ્ય રાધાકૃષ્ણ વિખે-પાટીલે બંધને સમર્થન જાહેર કરતાં જણાવ્યું હતું કે પાથરી ગામ સાંઈબાબાનું જન્મસ્થાન હોવાનું નિવેદન મુખ્ય પ્રધાને પાછું ખેંચવું જોઈએ. દેશનાં અનેક મંદિરોની માફક પાથરીમાં બાબાનું એક મંદિર છે. ભક્તોની લાગણી ન દુભાય એનું ધ્યાન રાખતાં આ વિવાદનો અંત આવવો જોઈએ.’ કૉન્ગ્રેસના નેતા અશોક ચવાણે જણાવ્યું હતું કે પાથરીમાં ભક્તો માટે સુવિધાઓ ઊભી કરવામાં આવતી હોય તો બાબાના જન્મસ્થાનના વિવાદને નામે એનો વિરોધ કરવો ન જોઈએ.’

સાંઈબાબા જન્મસ્થાન વિવાદના ઉકેલ માટે મુખ્ય પ્રધાન બેઠક યોજશે
રાજ્ય સરકારે પરભણી જિલ્લાના પાથરી ગામને ‘સાંઈબાબા જન્મસ્થાન’ રૂપે વિકસાવવા માટે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા પછી જાગેલા વિવાદના ઉકેલ માટે સંબંધિત પક્ષો સાથે ચર્ચા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બેઠક યોજશે. વિવાદના અનુસંધાનમાં આજે શિરડી બંધની ગઈ કાલે જાહેરાત કરવામાં આવ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ મંત્રાલયમાં બેઠક યોજવાનો નિર્ણય લીધો હોવાનું મુખ્ય પ્રધાનની કચેરીએ બહાર પાડેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

shirdi mumbai news mumbai