સરકાર ઇકૉનૉમીને સંભાળી શકતી નથી, તો ઇકોલૉજીને કેવી રીતે સાચવશેઃ HC

01 October, 2019 10:31 AM IST  |  મુંબઈ

સરકાર ઇકૉનૉમીને સંભાળી શકતી નથી, તો ઇકોલૉજીને કેવી રીતે સાચવશેઃ HC

પ્રતીકાત્મક તસવીર

મુંબઈઃ (પી.ટી.આઇ.) આરે કૉલોનીમાં મેટ્રો રેલવેનો કારશેડ બાંધવા માટે વૃક્ષો કાપવાના વિવાદનો સામનો કરતી સરકારની ટીકા કરતાં મુંબઈ વડી અદાલતે ગઈ કાલે જણાવ્યું હતું કે સરકાર પાસે શ્રેષ્ઠ સાધનો હોવા છતાં નૅશનલ ઇકૉનૉમીને સંભાળી શકતી ન હોય તો એ ઇકોલૉજી (પર્યાવરણ)ને કેવી રીતે સાચવશે? મેટ્રો રેલવેનો કારશેડ બાંધવા માટે ૨૬૪૬ વૃક્ષો કાપવાની મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશનને પરવાનગી આપવાના મહાનગરપાલિકાના વૃક્ષ પ્રાધિકરણના નિર્ણયને પડકારતી ઝોરુ ભાથેનાની જનહિતની અરજીની સુનાવણીમાં વડી અદાલતે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.

પર્યાવરણવાદી ચળવળકાર ઝોરુ ભાથેનાના વકીલ જનક દ્વારકાદાસે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘મુંબઈ મહાનગરપાલિકાના વૃક્ષ પ્રાધિકરણનું કામ વૃક્ષો અને હરિયાળીનું રક્ષણ કરવાનું છે, પરંતુ એ યંત્રની માફક હરિયાળીના નિકંદનની પરવાનગીઓ આપે છે. શહેરને માટે મેટ્રો રેલની યોજના મહત્ત્વપૂર્ણ છે, પરંતુ હરિયાળી અને પર્યાવરણ પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ છે.’

જનક દ્વારકાદાસની દલીલોને પગલે વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રદીપ નાંદ્રજોગ અને ન્યાયમૂર્તિ ભારતી ડોંગરેની ખંડપીઠે જણાવ્યું હતું કે ‘વિકાસ વિરુદ્ધ પર્યાવરણનો વિષય ગુંચવાયેલો છે. એ વિષય અરજદારના મુદ્દાની યાદીમાં વધુ એક મુદ્દો ઉમેરશે. સરકાર પાસે ઉત્કૃષ્ટ સાધનો હાથવગાં હોવા છતાં રાષ્ટ્રના અર્થતંત્ર (નૅશનલ ઇકૉનૉમી)ને જાળવી શકતી નથી એ સરકાર પર્યાવરણ (ઇકોલૉજી)ને કેવી રીતે સાચવી શકશે? આપણી કેન્દ્ર સરકાર પાસે અવ્વલ કક્ષાના અર્થશાસ્ત્રીઓ છે તેમ છતાં અર્થતંત્રને સાચવી શકતી નથી.’

aarey colony indian government mumbai high court