Election 2019: મુંબઈના ગુજરાતી વિસ્તારોમાં મતદાનની ટકાવારીમાં વધારો

01 May, 2019 11:56 AM IST  |  | ચેતના યેરુણકર અને રણજિત જાધવ

Election 2019: મુંબઈના ગુજરાતી વિસ્તારોમાં મતદાનની ટકાવારીમાં વધારો

વોટિંગ

 

 

 

સોમવારે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મુંબઈના સરેરાશ ૫૫.૨૯ ટકા મતદાનમાં ગુજરાતીઓની વધારે વસતી ધરાવતાં પરાં બોરીવલી, ઘાટકોપર અને મુલુંડમાં મતદાનના પ્રમાણમાં નોંધપાત્ર વૃદ્ધિ અને વરલી, શિવડી અને માહિમ જેવા મરાઠીભાષીઓની વિશેષ વસતી ધરાવતા વિસ્તારોમાં મતદાનના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. છ સંસદીય મતક્ષેત્રો અંતર્ગત વિધાનસભા મતક્ષેત્રોના મતદાનની ટકાવારીના આંકડા રસપ્રદ છે. લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની તમામ ૪૮ બેઠકોનું મતદાન પૂરું થયું છે.

બોરીવલીમાં ૬૬.૧૯ ટકા, ઘાટકોપર (પૂર્વ)માં ૬૧.૨૭ ટકા, મુલુંડમાં ૬૩.૬૬ ટકા અને દહિસરમાં ૬૨.૩૯ ટકા તથા વરલીમાં ૫૧.૯૮ ટકા મતદાન નોંધાયું છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીની સરખામણીમાં બોરીવલીમાં મતદાનની ટકાવારી લગભગ ૯ ટકા વધી છે. ઘાટકોપર અને મુલુંડ જેવાં કેટલાંક મતક્ષેત્રોમાં મતદાનની ટકાવારીમાં વધારો તથા વરલી, શિવડી અને માહિમ જેવાં કેટલાંક મતક્ષેત્રોમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. મરાઠી મતદારોના વર્ચસ્વવાળા ભાંડુપ મતક્ષેત્રમાં મતદાનનું પ્રમાણ ૪ ટકા કરતાં વધ્યું છે. મતદાનના પ્રમાણમાં વધારા માટે ચૂંટણીપંચની મતદારોને અપીલો તથા અન્ય પ્રયાસોને કારણભૂત ગણવામાં આવે છે. જોકે મતદાનની ટકાવારીમાં વૃદ્ધિને પગલે સત્તાધારી પક્ષને બહુમતી મળે છે કે સત્તાધારી પક્ષ વિરોધી વલણ (મોદી વેવ કે ઍન્ટિ ઇન્કબન્સી વેવ) જોવા મળે છે એ બાબત ૨૩ મેએ મતગણતરી બાદ સ્પષ્ટ થશે.

આ વખતે રાજ ઠાકરે ચૂંટણી ન લડ્યા હોવાથી અને ખાસ કરીને શિવસેના-બીજેપી ગઠબંધનને કારણે મરાઠી મતદારોમાં ઉદાસીનતા જોવા મળી હોવાનું મનાય છે, કારણ કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી બીજેપી અને શિવસેના વચ્ચે મહેણાં-ટોણાંનો સિલસિલો ચાલતો હતો અને અચાનક ચૂંટણી પૂર્વે ગઠબંધન થઈ જતાં મરાઠી મતદારોમાં નિરાશા પણ હોવાનું મનાય છે. રાજ ઠાકરેના વલણમાં પલટાને લીધે મરાઠી મતદારો ગૂંચવાયા, વિમાસણમાં પડ્યા હોવાની ધારણા રાખવામાં આવે છે. જોકે કોલાબા જેવા વૈભવી વિસ્તારોમાં મતદાન માટે બહાર નહીં નીકળવાનું વલણ વધ્યું છે.

મતદાનની ટકાવારીની તુલના

૨૦૧૪ ૨૦૧૯

મુંબઈનું એકંદર મતદાન - ૫૧.૫૯ ટકા ૫૫.૨૯ ટકા

સંસદીય મતક્ષેત્રો-દક્ષિણ મુંબઈ -  ૫૨.૪૯ ટકા ૫૧.૪૫ ટકા

દક્ષિણ-મધ્ય મુંબઈ -  ૫૩.૦૯ ટકા ૫૫.૨૩ ટકા

ઈશાન મુંબઈ -  ૫૧.૭૦ ટકા ૫૭.૧૫ ટકા

આ પણ વાંચો : મુંબઈ: કાંદિવલીમાં ભરણી કરીને પાર્કિંગ લૉટ બનાવવામાં આવેલો

ઉત્તર-મધ્ય મુંબઈ -  ૪૮.૬૭ ટકા ૫૩.૬૭ ટકા

ઉત્તર મુંબઈ -  ૫૩.૦૭ ટકા ૬૦.૦૦ ટકા

Election 2019 mumbai mumbai news borivali kandivli mulund