મુંબઈ: 19 બ્રિજ પર ડાન્સની મનાઈ

12 September, 2019 08:16 AM IST  |  મુંબઈ | ચેતના યેરૂણકર

મુંબઈ: 19 બ્રિજ પર ડાન્સની મનાઈ

ચિંચપોકલી રેલ ઓવરબ્રિજની ચકાસણી કરતી પોલીસ. તસવીરઃ પ્રદીપ ધિવાર

બીએમસી, ટ્રાફિક પોલીસ અને રેલવે તંત્રએ આજે ગણેશવિસર્જન દરમ્યાન નાગરિકોને શહેરના ખખડી ગયેલા ૧૯ પુલો પર નાચગાન કે ટોળું એકત્રિત ન કરવાનો અનુરોધ કર્યો છે. ગણેશ મંડળોએ આ સલાહનું પાલન કરવા માટે સંમતિ દર્શાવી છે અને બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમિતિએ આ સંદેશો નાનાં મંડળો સુધી પહોંચાડવાનું વચન આપ્યું છે.

ખખડી ગયેલા હોવા છતાં ટ્રાફિક માટે ખુલ્લા હોય એવા ૨૦ બ્રિજની યાદી ધરાવતી જાહેર સેવાની જાહેરાતમાં માંડ બે વર્ષ જૂના સાંતાક્રુઝ ખાતેના મિલન રેલ ઓવર બ્રિજનો પણ સમાવેશ થાય છે. સત્તાધિશોએ બાદમાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આ બ્રિજને ભૂલથી યાદીમાં સમાવાયો હતો અને એ પુલ યોગ્ય સ્થિતિમાં છે.

બાકીના ૧૯ પુલમાં ચિંચપોકલી, કરી રોડ, ગોખલે રોડ, ગ્રાન્ટ રોડ અને વિલે પાર્લે સહિતના ચાવીરૂપ પુલોનો સમાવેશ થાય છે. નિઃશંકપણે ચિંચપોકલી બ્રિજ વિસર્જન દરમ્યાન સૌથી વધુ ઉપયોગમાં લેવાતો બ્રિજ છે, કારણ કે પરેલ અને લાલબાગની મહાકાય મૂર્તિઓ ત્યાંથી પસાર કરવામાં આવે છે.

મંડળોને સલાહ

૧. મંડળોએ એ સુનિશ્ચિત કરવું કે આ પુલો પર કોઈ પણ સમયે એકસાથે ૧૬ ટન કરતાં વધારે વજન ન હોય, ૨. ભાવિકો ટોળું ન જમાવે અને નાનાં-નાનાં જૂથોમાં પુલ પરથી પસાર થાય, ૩. પુલ પરથી પસાર થતી વખતે ભક્તો સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ ન કરે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર અતિશય અવાજના કંપન નબળા બ્રિજ પર વિપરિત અસર ઉપજાવી શકે છે. પોલીસે ભક્તોને આ સૂચિત પુલો પર નાચગાન ન કરવા તથા ત્યાં ન થોભવાનું જણાવતાં પોસ્ટર્સ લગાવ્યાં છે.

‘અમે લાલબાગના હિરામણી માર્કેટ જંક્શન પર મ્યુઝિક બંધ કરીશું અને ચિંચપોકલી તરફ આગળ વધતી વખતે અમે પ્રથમ અમારી ટ્રૉલીને જવા દઈશું તથા સ્વયંસેવકો અને સભ્યોને નાનાં-નાનાં જૂથોમાં બ્રિજ પરથી પસાર થવા માટે જણાવીશું, જેથી ટોળું ન જામે.’

- સ્વપ્નિલ પરબ, લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળ (ગણેશ ગલી)ના સચિવ

આ પણ વાંચો : અનંતચતુર્થીને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દોડાવશે આઠ સ્પેશ્યલ ટ્રેન

‘લોઅર પરેલનો બ્રિજ બંધ કરી દેવાયા બાદ કરી માર્ગ ગણેશવિસર્જન માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અમે ભારતમાતા જંક્શનની નજીક હોવાથી અમારે આ બ્રિજ પરથી જવાની જરૂર નથી. એને બદલે અમે ચિંચપોકલી બ્રિજથી જઈશું. અમે સુનિશ્ચિત કરીશું કે કાળજી રાખવામાં આવે તથા સૂચનાઓનું પાલન કરવામાં આવે.’

- રવીન્દ્ર માજલકર, બાલગોપાલ સાર્વજનિક ગણેશોત્સવ મંડળના પ્રમુખ

mumbai mumbai news ganesh chaturthi ganpati chetna yerunkar