ગણપતિબાપ્પા લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવશે

19 August, 2019 02:16 PM IST  |  મુંબઈ | ચેતના યેરુણકર

ગણપતિબાપ્પા લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવશે

ગણપતિ બાપ્પા

ગણરાયાના આગમન આડે લગભગ બે અઠવાડિયાં બાકી રહ્યાં છે અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ થયાને એક વર્ષ વીતી ગયું છે ત્યારે ગણેશમંડળોએ શ્રદ્ધાળુઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સંબંધે જાગૃતિ ફેલાવવા ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શહેરનાં મોટાં મંડળો ગણેશોત્સવના દસ દિવસ દરમ્યાન પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ જાગૃતિ ફેલાવશે. જોકે દક્ષિણ મુંબઈના ખેતવાડી વિસ્તારના મંડળે તેમના ગણપતિ લાવતી વખતે ‘સે નો ટુ પ્લાસ્ટિક’ લખેલાં બૅનરો અને પ્લૅકાર્ડથી પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશની શરૂઆત કરી હતી.

શિવસેનાના યુવા પાંખના નેતા આદિત્ય ઠાકરેએ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ વિશે બોલવા માટે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતાં તેમને પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવવા વિનંતી કરી હતી. ગયા વર્ષે પ્રતિબંધ મુકાયા બાદથી અત્યાર સુધીમાં બીએમસીએ ૬૦,૦૦૦ કિલો કરતાં વધુ પ્લાસ્ટિક જપ્ત કરી ૩ કરોડ રૂપિયા કરતાં વધુ રૂપિયાનો દંડ જમા કર્યો હતો.

મુંબઈચા સમ્રાટ ખેતવાડી સાર્વજનિક ગણેશોત્સવ મંડળે ખેતવાડી વિસ્તારનાં વિવિધ મંડળો પાસેથી પ્લાસ્ટિકનો વેસ્ટ એકઠો કરવાનું કામ પોતાના શિરે લીધું છે. મંડળના સભ્યો વિસ્તારની તમામ ગલીઓમાં જઈ ગણેશમંડળો પાસેથી પ્લાસ્ટિકનો કચરો જમા કરી સંગ્રહ કરશે જે પછીથી રીસાઇક્લિંગ માટે આપશે.

લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ પ્લાસ્ટિક ક્રશિંગ મશીન ઇન્સ્ટૉલ કરશે. લાલબાગચા રાજા મંડળના સેક્રેટરી સુધીર સાળવીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે ગયા વર્ષે પણ પ્લાસ્ટિક ક્રશિંગ મશીન રાખ્યું હતું, પણ ઘણા લોકોને એના વિશે માહિતી નહોતી. આ વર્ષે અમે મશીન બધાની નજરે પડે એ રીતે મૂકીશું જેથી લોકો એનો ઉપયોગ કરી શકે.’

અંધેરીચા રાજા નામે ઓળખાતા આઝાદનગર સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સ્વયંસેવકો પ્લાસ્ટિકની થેલી સાથે પંડાલમાં આવતા લોકોને પ્લાસ્ટિકના દુરુપયોગ વિશે સમજાવશે તેમ જ સૂકા અને ભીના કચરા સાથે પ્લાસ્ટિક ન ભેગું થાય એની કાળજી રાખશે.

આ પણ વાંચો : મુંબઈ: મેયર મૅરથૉનમાં 8500ના રજિસ્ટ્રેશન સામે 12,000 રનર્સ દોડતાં થઈ ગરબડ

દરમ્યાન પિંપળેશ્વર મિત્ર મંડળ શ્રદ્ધાળુઓ પાસે કોલ્હાપુર અને સાંગલીના પૂરગ્રસ્ત વિસ્તારના લોકોની સહાય માટે ટહેલ નાખશે અને ભેગી થયેલી રકમ તેમ જ અન્ય સામગ્રી (નોટબુક, સ્કૂલ આઇટમ્સ કે અન્ય ચીજો) અસરગ્રસ્તો સુધી પહોંચાડશે.

lalbaugcha raja mumbai news ganesh chaturthi mumbai chetna yerunkar