થાણેમાં શિવસેના તરફથી મુખ્ય પ્રધાનપદનો એક નવો ઉમેદવાર ઊભર્યો

04 November, 2019 03:59 PM IST  |  મુંબઈ | ચેતના સદડેકર

થાણેમાં શિવસેના તરફથી મુખ્ય પ્રધાનપદનો એક નવો ઉમેદવાર ઊભર્યો

એકનાથ શિંદને શુભેચ્છા આપતું બૅનર

ચૂંટણીનું પરિણામ આવ્યાંને બે અઠવાડિયાં વીતી જવા છતાં મુખ્ય પ્રધાનની સીટ માટેની ખેંચતાણનો કોઈ ઉકેલ આવ્યો નથી. શિવસેના ૫૦:૫૦ સીટ શૅરિંગની જીદ પકડીને અઢી વર્ષ માટે શિવસેનાનો મુખ્ય પ્રધાન હોય એવી માગણી કરી આદિત્ય ઠાકરેને આગળ વધારી રહી છે એવામાં મુખ્ય પ્રધાનપદની સીટ માટે વધુ એક ઉમેદવાર ઊભો થઈ રહ્યો છે. થાણેના લોકો એકનાથ શિંદેનું નામ આગળ કરી તેમને ભાવિ મુખ્ય પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે.

શિવસેનાના નેતાઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે સંબંધિત બૅનરો કે હોર્ડિંગ્સ તેમણે લગાવ્યાં નથી. સ્થાનિક લોકોએ જ એકનાથ શિંદે પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરવા આ બૅનરો લગાવ્યાં છે. જોકે બૅનર અને હોર્ડિંગ્સને પગલે માતોશ્રી સુધી એકનાથ શિંદે પણ મુખ્ય પ્રધાનપદની ખેવના રાખે છે એવા સંકેત પહોંચી રહ્યા છે એવામાં લોકોની આ લાગણી એકનાથ શિંદે માટે સમસ્યા પણ બની શકે છે.

થાણે જિલ્લા એકમના નેતા અને થાણે મહાપાલિકા ગૃહના નેતા નરેશ મ્હસ્કેએ સ્પષ્ટતાં કરતાં જણાવ્યું હતું કે ‘આ બૅનરો સત્તાવાર રીતે લગાવવામાં આવ્યાં નથી. તમામ નિર્ણય સેનાના વડા દ્વારા જ લેવામાં આવશે.’ બૅનરો ઉતારવા માટે આદેશ આપ્યા કે નહીં એમ પુછાતાં તેમણે કહ્યું હતું કે બૅનરો કોણે લગાવ્યાં એની અમને જાણ નથી તો અમે પાર્ટીના કાર્યકરોને એ ઉતારવાના આદેશ કઈ રીતે આપી શકીએ.

shiv sena mumbai news thane