સરગમ સોસાયટીને OC અને ફાયર-બ્રિગેડનું NOC મળ્યું નહોતું

29 December, 2018 10:06 AM IST  |  મુંબઈ | ચેતના યેરુણકર

સરગમ સોસાયટીને OC અને ફાયર-બ્રિગેડનું NOC મળ્યું નહોતું

આગનાં નિશાન : ચેમ્બુરના ટિળકનગરમાં ગુરુવારે લાગેલી ભયાનક આગ પછી સરગમ બિલ્ડિંગની દીવાલો બહારની તરફ સાવ કાળી પડી ગઈ હતી.

ચેમ્બુરના ટિળકનગરમાં આવેલી સરગમ સોસાયટીમાં આગ ફાટી નીકળ્યાની ઘટના બાદ સોસાયટીના રહેવાસીઓએ ડેવલપર વિરુદ્ધ પગલાં લેવા પોલીસમાં ફરિયાદ કરી હતી. સોસાયટીના રહેવાસીઓએ પોલીસને જણાવ્યું હતું કે બિલ્ડિંગને ફાયર-ડિપાર્ટમેન્ટ પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યું નથી તેમ જ ડેવલપરે ઑક્યુપેશન સર્ટિફિકેટ પણ આપ્યું ન હોવાથી તેમને ઘણી તકલીફો વેઠવી પડી હતી તથા B વિન્ગમાંથી પાંચ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. બિલ્ડિંગના રહેવાસીઓ છેલ્લાં ચાર વર્ષથી આ બિલ્ડિંગમાં રહે છે અને આ મુદ્દાનો ઉકેલ લાવવાની કોશિશ કરી રહ્યા છે.

ઑથોરિટીઝ દ્વારા ઠરાવવામાં આવેલાં સામાન્ય ધોરણો અનુસાર ઑક્યુપેશન સર્ટિફિકેટ મળ્યા બાદ જ બિલ્ડિંગમાં રહેવા જવું જોઈએ. ફાયર-સિસ્ટમ પર ધ્યાનપૂર્વક કામ કરવામાં આવ્યું હોય એની ચકાસણી કર્યા બાદ તેમ જ બિલ્ડિંગના પ્લાનને વેરિફાઇ કરાયો હોય ત્યાર બાદ જ બિલ્ડિંગને ઑક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. જોકે આ વિસ્તારના લોકોનું કહેવું છે કે ટિળકનગરનાં મોટા ભાગનાં બિલ્ડિંગોને ઑક્યુપેશન સર્ટિફિકેટ મળ્યું જ નથી. અધિકારીઓએ ડેવલપર્સ વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાં જોઈએ એવી માગણી તેમણે કરી હતી.

રહેવાસીઓએ જણાવ્યું હતું કે બિલ્ડરે સોસાયટી પણ બનાવી આપી નહોતી. અમે તમામ રહેવાસીઓએ ફાળો એકઠો કરીને બિલ્ડિંગમાં ફાયર એકિસ્ટંગ્યુશર્સ બેસાડ્યાં હતાં, જે હકીકતે બિલ્ડરની જવાબદારી હતી. ફાયર-અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ પણ ઇન્સ્ટૉલેશન ચાલુ ન હોવાથી જ આગ સામે લડવામાં વિલંબ થયો હતો.

આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસરૂપે બિલ્ડિંગની ઇલેક્ટ્રિસિટી પણ કાપવામાં આવી હતી. A અને C વિન્ગના રહેવાસીઓને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રિસિટી કાપી નાખી હોવાથી તેમણે રાત ઘરની બહાર વિતાવવી પડી હતી.

આગને કારણે બિલ્ડિંગની B વિન્ગના અગિયારમા માળની તમામ ફ્લૅટ્સમાં ખૂબ નુકસાન થયું હતું.

આ પણ વાંચો : મુંબઈઃબિલ્ડિંગના 14મા માળે લાગેલી આગે લીધો 5નો ભોગ

૧૪મા માળે રહેતા અમિત હિરેમથ પણ આગમાં સપડાયા હતા. તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું મારી પત્ની અને પાંચ વર્ષના દીકરા સાથે છેલ્લાં ચાર વર્ષથી આ બિલ્ડિંગમાં રહું છું. આગ લાગી ત્યારે અમે બધા ઘરમાં જ હતા. આગ જોઈને શું કરવું એ વિચારતો હતો ત્યાં જ અમારા પાડોશીને નીચે ઊતરવા જતા જોઈને આગ નીચેથી ઉપરની તરફ આગળ વધી રહી હોવાથી મેં તેમને એમ કરતા રોક્યા. મેં મારી જાતને તેમ જ બીજા બધાને ભીના ટુવાલથી લપેટી રાખ્યા જેથી ધુમાડો શ્વાસમાં ન જઈ શકે. મારા પાડોશી પાસેની હથોડીથી ટેરેસનું બારણું તોડી ટેરેસ પરથી જ A વિન્ગમાં થઈને અમે નીચે ઊતર્યા ગયા હતા.’

chembur mumbai news mumbai