મુંબઈ: લિફ્ટ માગનાર પર દયા ખાનાર ટ્રક-ડ્રાઇવરને લૂંટી લેવાયો

02 August, 2019 12:55 PM IST  |  પુણે | ચૈત્રાલી દેશમુખ

મુંબઈ: લિફ્ટ માગનાર પર દયા ખાનાર ટ્રક-ડ્રાઇવરને લૂંટી લેવાયો

પ્રતીકાત્મક તસવીર

લિફ્ટ માગી રહેલા શખસ પર દયા ખાઈને તેને મદદ કરવાનો ઇરાદો ધરાવતા એક ટ્રક-ડ્રાઇવરે એની આકરી કિંમત ચૂકવવી પડી હતી. ટ્રક ઊભી રાખતાંવેંત તેને લૂંટી લેવાયો હતો. મુંબઇ-પુણે એક્સપ્રેસવે પર મંગળવારે મુંબઈના એક ડ્રાઇવરનો ૧૦,૦૦૦ રૂપિયાનો મોબાઇલ ફોન ત્રણ શખસોની ટોળકીએ લૂંટી લીધો હતો.

૫૪ વર્ષના તાનાજી વજીર કાલેબાઘ ઘાટકોપરની બેસ્ટ કામગાર વસાહતમાં રહે છે. તેમણે તાલેગાંવ પોલીસ-સ્ટેશને ત્રણ અજાણ્યા શખસો વિરુદ્ધ એફઆઇઆર નોંધાવ્યો હતો. આ બનાવ ઉર્સ ટોલનાકા નજીક રાતે ૧૧ વાગ્યે બન્યો હતો.

આ પણ વાંચો : મુંબઈ: 82 વર્ષનાં વૃદ્ધને એના દિકરાએ ફ્લેટમાંથી કાઢી મુક્યો

આ કેસની તપાસ કરી રહેલા તાલેગાંવ પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વૈભવ સોનાવણેએ જણાવ્યું હતું કે ‘તાનાજી મુંબઈથી કેટલોક પ્લાસ્ટિક પાઉડરનો સામાન લઈને કરાડની એક કંપનીને પહોંચાડવા જઈ રહ્યા હતા. ટ્રાફિક તથા ભારે વરસાદને કારણે તેઓ ટ્રક ધીમે હંકારી રહ્યા હતા. એક વ્યક્તિએ ઇશારો કરતાં તાનાજીએ તેને લિફ્ટ જોઈતી હશે એવું વિચારીને ટ્રક થોભાવી હતી, પણ ઇશારો કરનાર વ્યક્તિ સહિતના ત્રણ શખસો ટ્રક-ડ્રાઇવરની કૅબિનમાં ચડી ગયા અને તાનાજીનો મોબાઇલ ઝૂંટવી લીધો. ત્યાર બાદ તેમને લાફા ઝીંકી દીધા અને નજીકની ટેકરી ચડીને નાસી છૂટ્યા.’

આ મામલે પોલીસ શકમંદોના સ્કેચ તૈયાર કરીને તપાસ હાથ ધરી રહી છે.

mumbai mumbai news Crime News mumbai pune expressway