ચંદ્રકાન્ત પાટીલ સાડીઓ વહેંચીને ચૂંટણી જીત્યાનો એનસીપીનો આક્ષેપ

31 October, 2019 03:00 PM IST  |  પુણે | ચૈત્રાલી દેશમુખ

ચંદ્રકાન્ત પાટીલ સાડીઓ વહેંચીને ચૂંટણી જીત્યાનો એનસીપીનો આક્ષેપ

એનસીપીના વર્ક્સ

પુણેના કોથરુડ વિધાનસભા મતક્ષેત્રમાં ચૂંટાયેલા બીજેપીના પ્રદેશાધ્યક્ષ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ પર મતદાર મહિલાઓને દિવાળીની ભેટરૂપે સાડીઓ વહેંચીને ચૂંટણી જીતવાનો આરોપ એનસીપીએ મૂક્યો છે. એનસીપીએ ચંદ્રકાન્ત પાટીલ પર મતદારોને ખુશ કરવા માટે સસ્તી રીતરસમો અપનાવવાનો આરોપ મૂકતાં ગઈ કાલે પુણેમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. એનસીપીએ ચંદ્રકાન્ત પાટીલના ચૂંટણી પ્રચારના ખર્ચની સ્પષ્ટતા માગવા સાથે ચૂંટણી પંચને ફરિયાદની તૈયારી પણ કરી છે.

એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે ચંદ્રકાન્ત પાટીલનું નામ ‘ચંપા’ પાડીને મશ્કરી કરી હતી. એનસીપીના પુણે એકમના પ્રમુખ અને વિધાનસભ્ય ચેતન તુપેએ જણાવ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણીમાં ખર્ચની મર્યાદા ૨૮ લાખ રૂપિયાની નક્કી કરવામાં આવી છે અને ચંદ્રકાન્ત પાટીલે એક લાખ સાડીઓ મતદાર મહિલાઓને વહેંચી હતી. એક સાડીની કિંમત ૨૮ રૂપિયા હતી?’
એનસીપીના નેતા અને પ્રવક્તા અંકુશ કાકડેએ જણાવ્યું હતું કે ‘બીજેપીવાળા મતદારોને ખુશ કરવા માટે સસ્તી યુક્તિઓ અજમાવે છે, પરંતુ પુણેની મહિલાઓ લલચાતી નથી. એમને વિકાસ અને મહિલાઓની સલામતી જોઈએ છે.’

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં એનસીપી-કૉન્ગ્રેસ વિપક્ષમાં બેસશેઃ જયંત પાટીલ

દરમ્યાન ચંદ્રકાન્ત પાટીલે ફક્ત ૩૦,૦૦૦ સાડીઓ વહેંચ્યાનો દાવો કર્યો હતો, પરંતુ સાડીઓની વહેંચણી સંબંધી વિડિયોમાં એક લાખ સાડીઓ વહેંચવાની વાતો ચંદ્રકાન્ત પાટીલ કરતા હોવાનું સાંભળી શકાય છે. એ બાબતે ચંદ્રકાન્ત પાટીલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘અમે એક લાખ સાડીઓ વહેંચી નહોતી. માંડ ત્રીસેક હજાર સાડીઓ વહેંચી શક્યા. સમાજના વંચિત અને રહિત લોકોને પૂજવા અને એમની સાથે ઉજવણીઓ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ મુજબ અમે સાડીઓ વહેંચી હતી. મહિલાઓને બિરદાવવા અને એમના તરફ આભારની લાગણી વ્યક્ત કરવાના ઉદ્દેશથી તેમ જ એમની સાથે સંવાદ શરૂ કરવાના હેતુસર અમે સાડીઓ વહેંચી હતી.’

nationalist congress party pune news mumbai news chaitraly deshmukh