મુંબઈ-પુણે વચ્ચેની અનેક ટ્રેનો ટ્રૅક મેઇન્ટેનન્સ માટે બે સપ્તાહ સુધી રદ

25 July, 2019 12:00 PM IST  |  મુંબઈ

મુંબઈ-પુણે વચ્ચેની અનેક ટ્રેનો ટ્રૅક મેઇન્ટેનન્સ માટે બે સપ્તાહ સુધી રદ

ડેક્કન એક્સપ્રેસ

ઘાટ વિસ્તારોમાં મધ્ય રેલવેની લાઇન્સનાં ટ્રૅક મેઇન્ટેનન્સ તથા અન્ય ટેક્નિકલ કામો માટે આજથી ૯ ઑગસ્ટ સુધી મુંબઈ અને પુણે વચ્ચેના ટ્રેન-વ્યવહારમાં ફેરફારો કરવામાં આવ્યા છે. એ ફેરફારોના ભાગરૂપે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે. મધ્ય રેલવેની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યા મુજબ ટ્રેનોનાં સમયપત્રક તથા અન્ય સુધારા મુજબ પુણેથી મુંબઈ તરફ આવતી સિંહગઢ એક્સપ્રેસ અને પ્રગતિ એક્સપ્રેસ ૨૬ જુલાઈથી ૯ ઑગસ્ટ વચ્ચે બ્લૉકના ગાળામાં આઠ દિવસ સુધી દોડશે નહીં. અન્ય ૧૩ ટ્રેનો પુણે સુધી દોડશે અથવા પુણેથી રવાના થશે. 

લોનાવલા અને કરજત વચ્ચે ટ્રૅક મેઇન્ટેનન્સ અને ટેક્નિકલ સમારકામ સહિત કેટલીક કામગીરી માટે મધ્ય રેલવેએ ઉક્ત બ્લૉક હાથ ધર્યો છે. સામાન્ય રીતે મુંબઈથી રવાના થતી કોયના એક્સપ્રેસ, સહ્યાદ્રી એક્સપ્રેસ અને મહાલક્ષ્મી એક્સપ્રેસ બ્લૉકના સમયગાળા દરમ્યાન પુણેથી રવાના થશે. બ્લૉકના સમયગાળામાં પુણે-ભુસાવળ ટ્રેન મનમાડ રૂટ પર દોડશે, પુણે-પનવેલ-પુણે શટલ સર્વિસ અને પુણે-મુંબઈ સહ્યાદ્રી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. એ ઉપરાંત નાંદેડ-પનવેલ ટ્રેનનો પ્રવાસ ટૂંકાવીને પુણે ખાતે સમાપ્ત કરવામાં આવશે (પુણેથી પનવેલ વચ્ચે નહીં દોડે).

સેન્ટ્રલ રેલવેના નિર્ણયથી પ્રવાસી સંગઠનો નારાજ

આજથી ૯ ઑગસ્ટ સુધી ટ્રૅક મેઇન્ટેનન્સ અને ટેક્નિકલ સમારકામ માટે પુણે અને મુંબઈ વચ્ચે બ્લૉકના ભાગરૂપે કેટલીક ટ્રેનો રદ કરવા અને કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવવાના મધ્ય રેલવેના નિર્ણય સામે પ્રવાસી સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે. આ પ્રકારના બિનવ્યવહારું નિર્ણયો પ્રવાસી સંગઠનો અને રેલવે ડિવિઝન હેડ ઑફિસ વચ્ચે સમન્વય તૂટી ગયો હોવાનું દર્શાવતા હોવાનું પુણે-મુંબઈ રૂટના નિયમિત મુસાફરો કહે છે.

કર્જતના રહેવાસી અને નિયમિત મુસાફર નીતિન પરમારે જણાવ્યું હતું કે ‘આવી અંધાધૂંધી ચાલતી રહેશે તો મુંબઈ-પુણેનો પ્રવાસ મુશ્કેલ બનશે, કારણ કે મુંબઈ અને પુણે વચ્ચે નોકરી-ધંધે જનારા લોકો અને વિદ્યાર્થીઓના નિયમિત પ્રવાસનું પ્રમાણ ઘણું છે. કર્જત જેવા વચ્ચેનાં રેલવે સ્ટેશનોના પ્રવાસીઓને ઘણી મુશ્કેલી પડશે.’

કર્જત રેલવે પૅસેન્જર્સ અસોસિએશનના હોદ્દેદાર પ્રભાકર ગંગાવણેએ જણાવ્યું હતું કે ‘મુંબઈ-પુણે ઇન્ટરસિટી ટ્રેનની ટ્રાયલમાંથી કર્જતને બાકાત રાખવામાં આવ્યું એ ચિંતાનો વિષય હતો. એમાં વળી આ પ્રકારની કાર્યવાહી સમસ્યાઓ વધારે છે. આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટરસિટીની ટ્રાયલ નિષ્ફળ ગઈ હતી. આવા નિર્ણયોથી લોકોની આજીવિકા પર અસર થતી હોવાથી હું એના વિરોધમાં ૨૭ જુલાઈએ કર્જત રેલવે સ્ટેશન પર ઉપવાસ આંદોલન કરીશ.’

આ પણ વાંચો : સેન્ટ્રલ રેલવેનાં સ્ટેશનોનાં પ્લૅટફૉર્મ પર છાપરાં બેસાડવાનું તકલાદી કામ

મુંબઈ-પુણે રૂટ પર બ્લૉક સંબંધી નિર્ણયોના અનુસંધાનમાં મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘ટ્રેનોની ગતિમાં અવરોધો ઘટાડવા અને સરળ પ્રવાસ માટે મુંબઈ ડિવિઝને વિવિધ પ્રકારના માળખાકીય સુધારા-વધારા કરવાનું નક્કી કર્યું છે. એથી આજથી ૯ ઑગસ્ટ સુધીના સમયગાળા દરમ્યાન કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અને કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે.’

mumbai central railway indian railways pune mumbai news