પહેલી ફેબ્રુઆરીથી દેશભરમાં CAIT દ્વારા એક અનોખી ઝુંબેશ

14 January, 2019 09:39 AM IST  |  | Rohit Parikh

પહેલી ફેબ્રુઆરીથી દેશભરમાં CAIT દ્વારા એક અનોખી ઝુંબેશ

સંગઠન શક્તિ : ભોપાલની CAITની બેઠકમાં હાજર રહેલા દેશભરના પ્રતિનિધિઓ.

છેલ્લાં ઘણાં વર્ષોથી દેશમાં રાજકારણીઓ વેપારીઓને અને વેપારીઓની સમસ્યાઓને અવગણીને વેપારીઓ પર રાજ કરી રહ્યા છે, પણ હવે વેપારીઓએ દેશની રાજનીતિમાંથી આ સિસ્ટમનો અંત લાવવા માટે એક દેશ, એક ટ્રેડર અને એક વોટના નવા નારા સાથે પહેલી ફેબ્રુઆરીથી રાજકીય પક્ષોનાં નાક દબાવવા માટે મેદાનમાં ઊતરવાનો નિર્ણય કર્યો છે. દેશભરમાં આ સૂત્ર અને નવી વેપારીનીતિ સાથે વેપારીઓ એકત્રિત થઈને દેશભરમાં એક દેશ, એક ટ્રેડર અને એક વોટના નારા સાથે વોટબૅન્ક ઝુંબેશનો પ્રારંભ કરશે.

ભોપાલમાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ની બે દિવસથી ચાલી રહેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકના બીજા દિવસે એટલે કે ગઈ કાલે વેપારીઓએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો હતો.

ભોપાલમાં 24 રાજ્યોના 200 પ્રતિનિધિઓએ CAITની બે દિવસની બેઠકમાં ભાગ લીધો હતો. અત્યારની રાજકીય પરિભાષામાં ચારેબાજુ વોટબૅન્કનું રાજકારણ ખેલાઈ રહ્યું છે. વોટબૅન્કનું મહત્વ વધી રહ્યું છે એવા સંજોગોમાં CAIT તરફથી ટ્રેડિંગ કમ્યુનિટીને વોટબૅન્કમાં એકીકૃત કરવા માટે દેશભરમાં ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

અત્યારે દેશમાં લગભગ 7 કરોડ નાના-મોટા વેપારીઓ દેશના લગભગ 45 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. આ વેપારીઓ એક વર્ષમાં દેશમાં ૪૨ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ જનરેટ કરી રહ્યા છે. દેશમાં એગ્રિકલ્ચર પછી બીજા નંબરે રીટેલ ટ્રેડ છે અને આ વેપારીઓ છે જે દેશમાં સૌથી મોટી રોજગારી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફક્ત આર્થિક ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં વેપારીઓની અતિમહત્વની અને આગવી ભૂમિકા રહી છે. આમ છતાં વેપારીઓને રાજકારણીઓ અવગણતા રહ્યા છે.

આ માહિતી આપતાં CAITના મહારાષ્ટ્રના સિનિયર વાઇસ-પ્રેસિડન્ટ કીર્તિ રાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે CAITના રાષ્ટ્રીય અધિવેશનમાં અમારા નૅશનલ પ્રેસિડન્ટ બી. સી. ભારતીયા અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે દેશભરના પ્રતિનિધિઓને સંબોધતાં કહ્યું હતું કે આજે દેશમાં વોટબૅન્કના રાજકારણની બોેલબોલા છે અને બધા રાજકીય પક્ષો એ વોટબૅન્કની વાત સાંભળે છે. વેપારીઓ દેશમાં હંમેશાં તન, મન અને ધનથી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. આમ છતાં વેપારીઓને સરકાર અને રાજકીય પક્ષો અવગણી રહ્યા છે. ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સમાં સરળીકરણ, રીટેલ વ્યાપાર અને ઑનલાઇન વ્યાપારમાં FDIનો પ્રવેશ, વ્યાપારીઓ પર દસકા જૂના કાયદાઓ લગાડવા, સરકારી અધિકારીઓ દ્વારા વેપારીઓનું શોષણ અને વ્યાપક ભ્રષ્ટાચાર, દેશ અને રાજ્યમાં ટ્રેડ-પૉલિસીનો અભાવ જેવી અનેક સમસ્યાઓ સામે વેપારીઓ ઝઝૂમી રહ્યા છે. આમ છતાં રાજનેતાઓનાં પ્રવચનોમાં વેપારીઓને કે વેપારને કોઈ જ મહત્વ આપવામાં નથી આવતું. ટૂંક સમયમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. રાજકીય પક્ષો એમની વોટબૅન્ક ઊભી કરવામાં વ્યસ્ત છે. આ પરિસ્થિતિમાં વેપારીઓએ એકત્રિત થઈને એક વોટબૅન્ક ઊભી કરીને રાજનેતાઓને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો સમય હવે આવી ગયો છે.’

આ પણ વાંચો : મુંબઈ: અકસ્માતો ટાળવા લોકલ ટ્રેનો પર લગાવવામાં આવશે બ્લુ લાઇટ

બી. સી. ભારતીયા અને પ્રવીણ ખંડેલવાલના સંબોધનને બેઠકમાં હાજર રહેલા દેશભરના વેપારી પ્રતિનિધિઓએ એકઅવાજે વધાવી લીધું હતું. એ જાણકારી આપતાં CAITના કારોબારી સભ્ય શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે વેપારીઓ જે મુસીબતોમાંથી પસાર થઈ રહ્યા છે અને જે રીતે તેમની સમસ્યાઓને રાજકારણીઓ ‘દેખતા હૈ, સોચતા હૈ’ કહીને ફગાવી રહ્યા છે એનાથી ત્રાસેલા વેપારીઓએ વેપારીઓની વોટબૅન્ક ઊભી કરવાના નિર્ણયને સર્વસંમતિથી જોરદાર અવાજ સાથે વધાવી લીધો હતો. આ નિર્ણય પછી વેપારીઓએ નક્કી કર્યું હતું કે રાજકીય પક્ષો સામે આપણી ભૂમિકા મજબૂતાઈથી રાખવા માટે હવે વેપારીઓની એક વોટબૅન્ક ઊભી કરવાનો સમય આવી ગયો છે. આ વોટબૅન્ક ઊભી કરવા માટે CAIT એક દેશ, એક વેપારી અને એક વોટના નારા સાથે દેશભરનાં રાજ્યોમાં અભિયાન શરૂ કરશે.’

mumbai news