મુંબઈઃભિવંડીના જૈન વેપારી બ્રેઇન-ડેડ થયા બાદ અવયવો ડોનેટ કરાયા

10 May, 2019 07:19 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈઃભિવંડીના જૈન વેપારી બ્રેઇન-ડેડ થયા બાદ અવયવો ડોનેટ કરાયા

ભિવંડીના જૈનપરિવારે રોડ-ઍક્સિડન્ટમાં ઘરના સૌથી મોટા દીકરાને ગુમાવ્યો હોવા છતાં હિંમત દેખાડીને કાબિલે-તારીફ કામ કરી દેખાડ્યું છે. દીકરાને વેન્ટિલેટર પર રાખીને શરીરના અવયવો ખરાબ થવાની રાહ જોવાને બદલે મન મક્કમ કરીને બીજાને કોઈક રીતે ઉપયોગી થાય એ ધર્મનું કામ છે એવી વિચારધારાથી ભિવંડીના ખડક રોડ પર આવેલા નઝરાના કપાઉન્ડમાં રહેતા ૪૭ વર્ષના કમલેશ હસ્તીમલ જૈનના બધા અવયવો અને સ્કિન ડોનેટ કરવાનો નર્ણિય લેવામાં આવ્યો હતો એટલે ગઈ કાલે તેમને વેન્ટિલેટર પરથી હટાવીને આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

ઍક્સિડન્ટ વિશે માહિતી આપતાં કમલેશ જૈનના નાના ભાઈ મયૂર જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે ચાર ભાઈઓ છીએ. પપ્પાના મૃત્યુ બાદ કમલેશ મોટો હોવાથી તેઓ અમારે માટે પપ્પાની જગ્યાએ હતા. કમલેશભાઈ આખા ઘરનું ધ્યાન રાખવાની સાથે અનેક જવાબદારીઓ પણ નિભાવતા હતા. રાતે મેડિકલ બંધ થઈ જાય એટલે ભાઈને કોઈ દવા લેવાની હોવાથી તેમણે મિત્રોને કહ્યું કે હું દસેક મિનિટમાં આવું છું. પાસે જ જવાનું હોવાથી ભાઈએ એક મિત્રની ઍક્ટિવા લીધી હતી. ઍક્ટિવા લઈને મીરા-ભાઈંદર વચ્ચે હાઇવે પાસે તેમનું સ્પીડ-બ્રેકર પર ધ્યાન ન રહેતાં બાઇક પરથી તેમનો કન્ટ્રોલ જતો રહ્યો હતો. તેમનું માથું સીધું રસ્તા પરના ડિવાઇડર સાથે અફળાયું હતું. ત્યાં તેમની હાલત ગંભીર બની ગઈ હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા.’

આ પણ વાંચોઃ મુંબઈ : આ ભાઈએ 77 વર્ષે જૈનિઝમ પર કર્યું પીએચડી

ઑર્ગન ખરાબ થાય એની રાહ જોવાની પરિવારે ના પાડી એવું કહેતાં મયૂર જૈને કહ્યું કે ‘તેમને એ હૉસ્પિટલમાંથી શિફ્ટ કરીને ભિવંડીની ઑર્બિટ હૉસ્પિટલમાં લાવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો નહોતો આવી રહ્યો. વેન્ટિલેટર પર રાખે અને ત્યાર બાદ ઑર્ગન ખરાબ થાય અને પછી ડૉક્ટર અમને કહી દે કે નો મોર, એટલે ઑર્ગન ખરાબ થવાની રાહ જોતાં પહેલાં જ પરિવારજનોએ ઑર્ગન ડોનેટનો નર્ણિય લઈ લીધો હતો. એ મુજબ ગઈ કાલે તેમને જ્યુપિટર હૉસ્પિટલ લઈ જવાયા અને ડૉક્ટરોની ટીમે તેમને તપાસ્યા હતા. અંતિમવિધિ કરવાની પરિવારજનોની ઇચ્છા હોવાથી અમે ભાઈના બધા જ અવયવો અને બહારની સ્કિન ડોનેટ કરવાનો નર્ણિય જણાવ્યો હતો. આ નર્ણિયની સમાજને જાણ થતાં અનેક લોકો ફોન કરીને અનુમોદના કરી રહ્યા છે. આપણા ઘરની વ્યક્તિ વેન્ટિલેટર પર હોય અને એવામાં આવો નર્ણિય લેવો અઘરો હતો, પરંતુ પરિવારે મન મક્કમ કરીને આ પગલું લીધું છે. ભાઈના અવયવો બીજાને ઉપયોગમાં આવે અને તેમનું જીવન સફળ બને બસ એ જ વિચાર અમારા પરિવારનો હતો અને આપણો જૈન ધર્મ પણ એ જ શીખવાડે છે.’

mumbai news bhiwandi