વર્ક ફ્રૉમ હોમની તર્જ પર ભાઈંદરની સ્કૂલની અનોખી પહેલ, લર્ન ફ્રૉમ હોમ

19 March, 2020 08:28 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

વર્ક ફ્રૉમ હોમની તર્જ પર ભાઈંદરની સ્કૂલની અનોખી પહેલ, લર્ન ફ્રૉમ હોમ

લાઇવ ક્લાસરૂમની જેમ કૅમેરા સામે એક સબ્જેક્ટ ભણાવી રહેલા તપોવન વિદ્યાલયના એક ટીચર.

દેશ અને દુનિયામાં કોરોના વાઇરસથી મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે ત્યારે આ ચેપી રોગચાળાને ફેલાતો રોકવા માટે સરકાર અને પ્રશાસન દ્વારા ઉપાય યોજના કરવામાં આવી રહી છે. લોકોને ઘરેથી કામ કરવાની સૂચના આપી દેવાઈ છે.

જોકે આ પરિસ્થિતિમાં સૌથી વધુ મુશ્કેલી સ્કૂલ-કૉલેજમાં ભણતા સ્ટુડન્ટ્સને થઈ રહી છે. માર્ચ મહિનામાં પરીક્ષા હોય છે ત્યારે જ આ આપદા આવી પડી છે એટલે તમામ સ્ટુડન્ટનો ભણવાનો સમય બગડી રહ્યો છે. સ્કૂલ ૩૧ માર્ચ સુધી શરૂ થવાની કોઈ શક્યતા નથી એટલે વિદ્યાર્થીઓનો સમય બરબાદ ન થાય અને પૉર્શન પૂરો કરી શકે એ માટે ભાઈંદરમાં આવેલા તપોવન વિદ્યાલયે ડિજિટલ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને લર્ન ફ્રૉમ હોમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ માટેની ટ્રાયલ ગઈ કાલે કરાયા બાદ હવે આજે આ આઇડિયાને રન કરાશે.

ભાઈંદર (ઈસ્ટ)માં ઇન્દ્રપ્રસ્થના ફેઝ-૩માં આવેલા તપોવન વિદ્યાલયમાં એકથી દસ ધોરણ સુધીના ૯૦૦ સ્ટુડન્ટ્સ ભણે છે. કોરોનાને કારણે એકથી નવ ધોરણના વિદ્યાર્થી સ્કૂલ બંધ હોવાથી અત્યારે ઘરે છે, જ્યારે માત્ર એસએસસીની પરીક્ષા ચાલી રહી હોવાથી એના વિદ્યાર્થીઓ ઘરની બહાર નીકળી રહ્યા છે.

તપોવન સ્કૂલના મૅનેજર અજય વખારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકાર અને પ્રશાસને સાવચેતીના પગલારૂપે લીધેલા નિર્ણય મુજબ અમે સ્કૂલ બંધ કરી દીધી છે, પરંતુ એને લીધે શૈક્ષણિક વર્ષ પૂરું થવામાં છે અને પરીક્ષાઓ માથા પર છે ત્યારે વિદ્યાર્થીઓનો સમય બરબાદ થઈ રહ્યો છે. આ વિશે સ્કૂલના ટીચરો સાથે કોઈક રસ્તો કાઢવા બાબતે ચર્ચા કરાયા બાદ અમે વિડિયો લિન્કના માધ્યમથી મોબાઇલ ઍપમાં આ લિન્ક મોકલીને સિલેબસ પૂરો કરવાનો નિર્ણય લીધો છે.’

લાઇવ ક્લાસરૂમ વિડિયો
ટીચરો જેવી રીતે ક્લાસરૂમમાં ભણાવે છે બિલકુલ એવી જ રીતે ટીચર બ્લૅક બોર્ડ પાસે ઊભા રહીને ભણાવતા હોય એવો દરેક વિષયનો વિડિયો રેકૉર્ડ કરીને સ્ટુડન્ટ્સને મોકલાશે. સ્કૂલની મોબાઇલ ઍપ્લીકેશન છે. એના માધ્યમથી ગૂગલ ડ્રાઇવમાં વિડિયો મોકલવામાં આવશે.

સિલેબસ પૂરો કરવામાં આવશે
અચાનક સ્કૂલો બંધ થવાથી જે ક્લાસનો થોડો સિલેબસ બાકી રહી ગયો છે એના સૌથી પહેલા વિડિયો બનાવીને વિદ્યાર્થીઓને મોકલાશે. આ વિડિયો જોઈને ઘેરબેઠાં તપોવન વિદ્યાલયના સ્ટુડન્ટ્સ આ વર્ષનો સિલેબસ પૂરો કરશે અને જ્યારે સ્કૂલો ખૂલશે ત્યારે તેઓ પરીક્ષા આપી શકશે.

૮૫૦ સ્ટુડન્ટ્સને થશે લાભ
ઇંગ્લિશ મીડિયમના તપોવન વિદ્યાલયમાં એકથી આઠ ધોરણના ૮૫૦ જેટલા વિદ્યાર્થીઓ છે. સ્ટુડન્ટ્સના ભવિષ્ય માટે સ્કૂલના ટીચરો ક્લાસરૂમમાં બેસીને વારાફરતી પોતપોતાના સબ્જેક્ટના ટીચિંગના વિડિયો રેકૉર્ડ કરીને સ્કૂલને સોંપશે. પરીક્ષા માથા પર છે ત્યારે આ સિસ્ટમનો ફાયદો આ તમામ સ્ટુડન્ટ્સને થશે અને ટીચરોનો સ્કૂલ ખૂલ્યા બાદનો સમય પણ બચશે.

bhayander mumbai mumbai news coronavirus covid19