મુંબઈ: યાત્રી કૃપયા ધ્યાન ધ્યા

21 January, 2019 09:02 AM IST  |  | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈ: યાત્રી કૃપયા ધ્યાન ધ્યા

બાંદરાના બ્રિજ પર RPF દ્વારા પ્રવાસીઓને સાવધાન કરવા અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે.

પરેલ સ્ટેશનના રેલવે-બ્રિજ પર પ્રવાસીઓની ભીડને કારણે બનેલી દુર્ઘટનાને કારણે અનેક પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના બાદ રેલવે પ્રશાસનની ખૂબ ટીકાઓ કરવામાં આવી હતી. આ દુર્ઘટના પરથી પાઠ ભણીને રેલવે પ્રવાસીઓની ભીડ થાય એવી જગ્યાએ ખાસ પગલાં લેતી જોવા મળે છે. અંધેરી રેલવે-સ્ટેશને પણ અમુક બ્રિજ પર જ્યાં વધુ ભીડ થાય છે ત્યાં RPFનો સ્ટાફ ઊભો રહેતો હતો. એ અનુસાર બાંદરા રેલવે-સ્ટેશનના મિડલ રેલવે-બ્રિજ પર એક બાજુનો બ્રિજ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું હોવાથી એ બ્રિજની બીજી બાજુએ પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. આ ભીડમાં કોઈ અણબનાવ ન બને એ માટે ત્યાં RPFનો સ્ટાફ ઊભો રહીને અનાઉસમેન્ટ કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : મુંબઈ મૅરથૉનમાં આફ્રિકાનો દબદબો

આ વિશે બાંદરા રેલવે-બ્રિજ પર અનાઉસમેન્ટ કરતા RPFના કર્મચારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એક બાજુએ બ્રિજને પહોળો કરવાનું કામ ચાલતું હોવાથી બ્રિજની અન્ય બાજુએ પ્રવાસીઓની ભીડ વધુ થઈ જતી હોય છે. એમાં પણ ખાસ કરીને પીક અવર્સમાં પ્રવાસીઓની ખૂબ ભીડ જોવા મળે છે. ટ્રેન પકડવાની જલદીમાં પ્રવાસીઓ ધક્કા મારીને પણ જતા હોય છે અને એવામાં કોઈ અણબનાવ બને એની શક્યતા હોય છે. એથી પીક અવર્સમાં RPF દ્વારા હિન્દી, મરાઠી ભાષામાં અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. બ્રિજ પર ઊભા રહેવું નહીં, બ્રિજ પર ધીરેથી જવું, ધક્કામુક્કી કરવી નહીં, પોતાનો સામાન સંભાળીને રાખવો જેવી વિવિધ અનાઉન્સમેન્ટ સતત ચાલતી જ હોય છે. એ ઉપરાંત અન્ય RPFનો સ્ટાફ બ્રિજ પાસ ઊભા રહીને સુરક્ષાવ્યવસ્થા સંભાળતો હોય છે.’

bandra western railway indian railways