મુંબઈના ડબ્બાવાળાઓ બન્યા સૅન્ટા ક્લૉઝ

23 December, 2018 10:05 PM IST  |  | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈના ડબ્બાવાળાઓ બન્યા સૅન્ટા ક્લૉઝ

ડબ્બાવાળાઓ સૅન્ટા ક્લૉઝ બનીને બાળકોને ગિફ્ટ આપવાની સાથે તેમની સાથે આખો દિવસ વિતાવ્યો


ગરીબ વર્ગ કે પછી ઝૂંપડપટ્ટીમાં રહેતાં નાનાં બાળકો માટે કયો સૅન્ટા ક્લૉઝ ગિફ્ટ આપવાનો છે? એ પ્રશ્નનો વિચાર મુંબઈના ડબ્બાવાળાઓને આવ્યો હોવાથી તેઓ આ બાળકો માટે સૅન્ટા ક્લૉઝ બન્યા હતા. વિક્રોલીની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ડબ્બાવાળાઓ સૅન્ટા ક્લૉઝ બનીને બાળકોને ગિફ્ટ આપવાની સાથે તેમની સાથે આખો દિવસ વિતાવ્યો અને સાથે જમ્યા પણ હતા. વિદ્યાર્થીઓને સૅન્ટા ક્લૉઝે આવીને ગિફ્ટ આપી હોવાથી તેમના ચહેરા પર ખૂબ જ ખુશી જોવા મળી હતી અને આ ખુશી જોઈને ડબ્બાવાળાઓ પણ ભાવુક થઈ ગયા હતા.

આ વિશે માહિતી આપતાં મુંબઈ ડબ્બાવાળા અસોસિએશનના અધ્યક્ષ સુભાષ તળેકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વિક્રોલીમાં આવેલી અગ્રસેન હિન્દી વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓ સામે અમે સૅન્ટા ક્લૉઝ બનીને ગયા હતા. ગરીબ વર્ગનાં બાળકોમાંથી અનેક બાળકો એવાં પણ હશે જેમને સૅન્ટા ક્લૉઝ એટલે શું એ પણ ખબર નહીં હોય. ઘણાં એવાં બાળકો છે જે સૅન્ટા ક્લૉઝ આવશે અને તેમને સરસ ગિફ્ટ આપશે એવી આશામાં રહીને સપનાં જોતાં હોય છે. હાઈ ક્લાસનાં બાળકો મૉલમાં કે પછી અન્ય કોઈ કાર્યક્રમમાં જાય ત્યાં સૅન્ટા ક્લૉઝ જોવા મળતાં હોય છે અને તેમને ગિફ્ટ પણ મળતી હોય છે, પરંતુ ઝૂંપડપટ્ટી કે પછી ગરીબ વર્ગનાં બાળકોને કયો સૅન્ટા ક્લૉઝ આવીને ગિફ્ટ આપવાનો છે? એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આ બાળકોના ચહેરા પર ખુશી લાવવા માટે આપણે સૅન્ટા ક્લૉઝ બનીએ.

આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે પણ નાતાલ આવે કે સૅન્ટા ક્લૉઝ આવશે, કેટલીયે ગિફ્ટ આપશે એવાં સપનાં જોતાં હતાં. એથી નાનાં ભૂલકાંઓનાં આવાં સપનાં પૂરાં કરીને તેમને આનંદિત કરવાનો પ્રયાસ અમે કર્યો હતો. અસોસિએશનના સભ્યો દ્વારા બાળકોને વપરાશમાં આવતી વસ્તુઓ ગિફ્ટ કરી, કેક કાપી અને જમીને તેમને મોજમસ્તી કરાવી હતી. તેમના ચહેરા પરની ખુશી એ અમારા માટે ખૂબ જ અમૂલ્ય રહી હતી.’