પ્રૉપર્ટી ટૅક્સ ડિફૉલ્ટરોના ઘરે જઈને બીએમસી બૅન્ડ બજાવશે

20 February, 2020 08:48 AM IST  |  Mumbai

પ્રૉપર્ટી ટૅક્સ ડિફૉલ્ટરોના ઘરે જઈને બીએમસી બૅન્ડ બજાવશે

બીએમસીએ પ્રૉપર્ટી ટૅક્સ ન ચૂકવનારાની સવાર પાડવાનો નવો ઉકેલ શોધ્યો છે. બીએમસી આ ડિફૉલ્ટરોની સવાર તેમના ઘરની બહાર ઢોલનગારાં વગાડીને પાડશે. બીએમસીને હજી સુધી વાર્ષિક લક્ષ્યાંકનો ૪૦ ટકા કરવેરો વસૂલવાનો બાકી હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે. આ ઝુંબેશ બુધવારે બાંદરાથી શરૂ થઈ હતી અને ગુરુવારથી સમગ્ર શહેરમાં એ શરૂ કરવામાં આવશે.

થાણેમાં સફળ અમલ થયા બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ મિલકતવેરો ભરવાનો બાકી હોય એવા ડિફૉલ્ટરોના ઘરની બહાર ઢોલ-નગારાં વગાડવાનો ઉપાય અજમાવ્યો છે. બીએમસીએ પ્રોફેશનલ ઢોલવાળાઓને રોકીને ડિફૉલ્ટર નાગરિકોના ઘરની બહાર બૅન્ડ વગાડવાનું નક્કી કર્યું છે, જેથી તેમના આડોશ-પાડોશના સૌને મ્યુનિસિપલ કૉર્પોરેશનને બાકી રકમ ન ચૂકવનારા નાગરિકો વિશે જાણ થાય.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ પવારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ડિફૉલ્ટરોમાં જાગૃતિ ફેલાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. માત્ર ૪૦ દિવસ જ બાકી રહ્યા છે અને ઘણી કમર્શિયલ તથા રહેણાક મિલકતોએ તેમનો બાકીનો કરવેરો ભર્યો નથી. તેમણે જાહેરમાં શરમમાં ન મુકાવું પડે, ઍટ લીસ્ટ એ માટે તો કર ચૂકવશે જ.’

તેમણે ઉમેર્યું હતું કે ‘બીએમસી કોઈને પરેશાન કરવા ઇચ્છતું નથી, પરંતુ જો ડિફૉલ્ટરો પ્રૉપર્ટી ટૅક્સ નહીં ચૂકવે તો બીએમસી પાણી અને વીજળીનું જોડાણ કાપી નાખશે, પ્રૉપર્ટી સીલ કરી દેશે અને એની લિલામી પણ કરશે. હવે અમે જાગૃતિ ફેલાવી રહ્યા છીએ, જે પ્રથમ ચરણ છે.’

brihanmumbai municipal corporation mumbai mumbai news