તમને પાણી મળી રહે એ માટે ૪ લાખ ટ્રી કપાશે

27 February, 2020 09:48 AM IST  |  Mumbai Desk | Ranjeet Jadhav

તમને પાણી મળી રહે એ માટે ૪ લાખ ટ્રી કપાશે

બીએમસીની તાનસા વન્યજીવન અભયારણ્યમાંના ગાર્ગાઈ ડૅમ માટેની યોજનામાં વનની ૭૨૦ હેક્ટર જમીન કબજામાં લેવા ઉપરાંત લગભગ ચાર લાખ વૃક્ષોનું નિકંદન કાઢવાનો પણ સમાવેશ થાય છે. સંપૂર્ણ આરે મિલ્ક કૉલોનીનાં વૃક્ષોની સંખ્યા લગભગ ચાર લાખ જેટલી છે. પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારથી બીએમસીએ જંગલનાં વૃક્ષોના નિકંદનના મુદ્દે મૌન સેવવું પસંદ કર્યું છે.

વન વિભાગના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘બીએમસી દ્વારા નિમાયેલા સલાહકાર નાઇક એન્વાયર્નમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડે તેના સર્વેમાં તાનસા અભયારણ્યના પરિસરમાં અંદાજે ચારથી પાંચ હજાર સ્વદેશી વૃક્ષોના નિકંદનનો અંદાજ મૂક્યો હતો. વન વિભાગે ગામના રહેવાસીઓનું જંગલની બહાર પુનર્વસન કરી જંગલને વન્યજીવો માટે સુરક્ષિત જાહેર કરવું જોઈએ.’

પર્યાવરણવિદ અને કોર્બેટ ફાઉન્ડેશનના ડિરેક્ટરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે વનની આ જમીન પાલઘર જિલ્લાના પારાલી રેન્જ હેઠળ આવે છે જે અભયારણ્યનો શ્રેષ્ઠ વન વિસ્તાર છે. નૅશનલ બોર્ડ ફૉર વાઇલ્ડલાઇફની સ્ટેન્ડિંગ કમિટીના વિરોધ છતાં બીએમસી આ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે એ ઘણી જ આશ્ચર્યની વાત છે. આ પ્રોજેક્ટની શાહપુર, ખારડી, વૈતરણા અને પૂર્વીય વાડા જિલ્લાનાં જંગલો પર પણ અસર પડશે.

સૂત્રોએ જણાવ્યાં મુજબ આ સ્વદેશી વૃક્ષો ૭૨૦ હેક્ટરની જમીનમાં સમૃદ્ધ પર્યાવરણના અંતરિયાળ ભાગનો હિસ્સો છે. ગાર્ગાઇ ડૅમ શહેરની વર્તમાન અને ભવિષ્યની પાણીની જરૂરત પૂર્ણ કરવા માટે બનાવાયો છે. આ ઉપરાંત નજીકનાં સાત ગામોમાં લગભગ ૨૮૦ આદિવાસી પરિવારો નિવાસ કરે છે. ઍક્ટિવિસ્ટો અને પર્યાવરણવિદોના મતે આ વૃક્ષોનો નાશ કરવાને સ્થાને શહેરની વરસાદનું પાણી સંગ્રહવાની ક્ષમતાનો વિસ્તાર કરવો જોઈએ.

બીએમસીએ જુલાઈ ૨૦૧૯માં એક જ દિવસમાં તાનસા અને વૈતરણાની પાણી સંગ્રહવાની ક્ષમતા કરતાં અનેક ગણું વધુ લગભગ ૧૪૦૦ કરોડ લિટર જેટલું વરસાદનું પાણી સમુદ્રમાં વહાવી દીધું હતું અને હવે મુંબઈને પીવાનું પાણી પૂરું પાડવા માટે મુંબઈની બહાર આવેલાં વૃક્ષોનો ભોગ લેવા માગે છે. - ઍક્ટિવિસ્ટ જોરુ ભાઠેના

ranjeet jadhav mumbai mumbai news