બીએમસી દ્વારા સરકારી હૉસ્પિટલની સુરક્ષા વધુ સઘન બનાવવા વિચારાયું ખરું!

06 January, 2020 11:50 AM IST  |  Mumbai Desk | chetna saddekar

બીએમસી દ્વારા સરકારી હૉસ્પિટલની સુરક્ષા વધુ સઘન બનાવવા વિચારાયું ખરું!

બીએમસી શહેરની ખાનગી હૉસ્પિટલ્સની જેમ જ ચાર મોટી સરકારી હૉસ્પિટલ્સમાં સુરક્ષાના નિયમો વધુ સખત બનાવવા વિશે વિચારી રહી છે. ખાનગી હૉસ્પિટલ્સની જેમ જ સરકારી હૉસ્પિટલ્સમાં પણ મુલાકાતીઓનો સમય સુનિશ્ચિત કરી, તેમના માટે પાસ ઇશ્યુ કરવાની વ્યવસ્થા શરૂ કરી મુલાકાતીઓના પ્રવેશ પર નિયંત્રણ મૂકવામાં આવશે. આ માટે નિવૃત્ત આર્મી ઑફિસર્સની સેવા લેવામાં આવશે. 

બીએમસીના અધિકારીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગિરદી ન થાય એ માટે દરદીના મુલાકાતીઓની પ્રવેશદ્વાર પાસે, લિફ્ટ પાસે, જનરલ વૉર્ડના પ્રવેશદ્વાર પાસે તપાસણી કરવામાં આવશે. દરદી સાથે હૉસ્પિટલમાં એક જ મુલાકાતીને રહેવાની પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત મુલાકાતીઓની સંખ્યા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.’
પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હૉસ્પિટલમાં ગિરદીથી ડૉક્ટરોનાં કામમાં અડચણ નિર્માણ થાય છે. ઇમર્જન્સી વખતે આ સમસ્યા વધુ વકરે છે. આથી કમિશનર સરકારી હૉસ્પિટલ્સની સુરક્ષાવ્યવસ્થા જડબેસલાક બનાવવા માગે છે, જેથી કોઈ અનિચ્છિનીય વ્યક્તિ હૉસ્પિટલમાં પ્રવેશી ત્યાંની શાંતિનો ભંગ ન કરી શકે.’
જે ચાર હૉસ્પિટલ્સમાં સુરક્ષાવ્યવસ્થા વધારવા વિચારાઈ રહ્યું છે એમાં એલટીએમજી હૉસ્પિટલ, આરએન કૂપર હૉસ્પિટલ, બીવાયએલ નાયર હૉસ્પિટલ અને કેઈએમ હૉસ્પિટલનો સમાવેશ થાય છે.

mumbai mumbai news