મહાયુતિની જાહેરાત પત્ર દ્વારા કરાઈ

01 October, 2019 10:55 AM IST  |  મુંબઈ

મહાયુતિની જાહેરાત પત્ર દ્વારા કરાઈ

મહાયુતિ

(મિડ-ડે પ્રતિનિધિ) મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બીજેપી અને શિવસેના એકલે હાથે લડશે કે સાથે મળીને મેદાનમાં ઊતરશે એ બાબતે લાંબા સમયથી થઈ રહેલી અટકળોનો આખરે ગઈ કાલે અંત આવ્યો હતો. બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંતદાદા પાટીલ અને શિવસેનાના નેતા સુભાષ દેસાઈએ યુતિ પર મહોર મારી હતી. બીજેપી ૧૪૪, શિવસેના ૧૨૬ અને અન્ય સાથીપક્ષો ૧૮ બેઠક લડવાની સમજૂતી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

બીજેપી અને શિવસેના વતી એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં બન્ને પક્ષના વરિષ્ઠ નેતાઓ ચંદ્રકાંતદાદા પાટીલ અને સુભાષ દેસાઈની સહી કરવામાં આવી છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં સફળતાપૂર્વક રાજ્યને એક નવી ઊંચાઈએ લઈ જવાનું કામ મહાયુતિની સરકારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના માર્ગદર્શનમાં કર્યું અને હવે લોકશાહીની પરંપરા મુજબ ફરી ચૂંટણી આવી છે.

ઉદ્ધવ ઠાકરે, દેવેન્દ્ર ફડણવીસ તથા મિત્રપક્ષના કેન્દ્રીય પ્રધાન રામદાસ કદમ, મહાદેવ જાનકર, વિનાયક મેટે, સદાભાઉ ખોત વગેરે નેતાઓ વચ્ચે આગામી ચૂંટણીમાં મહાયુતિમાં લડવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હોવાથી અમે એની જાહેરાત કરીએ છીએ.

આ યુતિમાં કયો પક્ષ કેટલી બેઠક પર લડશે એની વિગતો ટૂંક સમયમાં જાહેર કરાશે. આ મહાયુતિને મહારાષ્ટ્રની જનતાના ભરપૂર આશીર્વાદ મળશે એવો અમને વિશ્વાસ છે.

જોકે સત્તાવાર રીતે યુતિની જાહેરાત આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સંયુક્ત રીતે જાહેર કરશે. એ સમયે બેઠકોની વિગતો પણ આપવામાં આવશે.

shiv sena bharatiya janata party devendra fadnavis uddhav thackeray