મુંબઈ : યુનિયને કર્યો હુંકાર, સ્ટ્રાઇક ચાલુ જ રહેશે

16 January, 2019 11:03 AM IST  | 

મુંબઈ : યુનિયને કર્યો હુંકાર, સ્ટ્રાઇક ચાલુ જ રહેશે

બેસ્ટ પાર્કિંગ : બેસ્ટના કર્મચારીઓની હડતાળ છેલ્લા નવ દિવસથી ચાલી રહી છે ત્યારે વડાલા ખાતેના બસડેપો પર પાર્ક બસોનો કાફલો જેમનો તેમ જોવા મળી રહ્યો છે.

બેસ્ટના કર્મચારીઓની હડતાળ તાત્કાલિક ધોરણે પાછી ખેંચવા માટે ગઈ કાલે હાઈ કોર્ટે આદેશ આપ્યા પછી પણ બેસ્ટના યુનિયને ચોખ્ખા શબ્દોમાં કોર્ટનો ઑર્ડર ન સ્વીકારવાની વાત કરી છે. બેસ્ટ કૃતિ સમિતિને હડતાળ પાછી લઈને ઉચ્ચ સ્તરની સમિતિ સાથે ચર્ચા કરવાનો હાઈ કોર્ટે આદેશ આપ્યો છે. જોકે બેસ્ટની હડતાળ ચાલુ જ રહેશે એમ બેસ્ટ કૃતિ સમિતિના અધ્યક્ષ શશાંક રાવે કહ્યું હતું.

હડતાળ પાછી ન ખેંચવાનું કારણ આપતાં શશાંક રાવે કહ્યું હતું કે ‘બેસ્ટના કર્મચારીઓને વેતનવધારાની રકમ ૧૦ તબક્કાઓમાં આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ ૨૦૦૭થી જે તફાવત પડ્યો છે એ ૧૦ તબક્કાઓમાં ભરપાઈ નહીં થઈ શકે. ત્રણ સભ્યની બનેલી ઉચ્ચ સ્તરની સમિતિએ કોર્ટમાં જે કૉપી આપી છે એમાં કર્મચારીઓનું ડેથ-વૉરન્ટ છે એટલે હડતાળ પાછી ખેંચવા સામે અમારો વિરોધ છે.’

અમારી સ્ટ્રાઇક ચાલુ જ રાખીશું એમ જણાવીને શશાંક રાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરની સમિતિએ આપેલા અહેવાલમાં ચાર પાનાંનો ઇકૉનૉમિક મેઝર્સ (આર્થિક સુધારાનાં પગલાં)નો જે દસ્તાવેજ આપ્યો છે એના પર જો અમલ કરવામાં આવશે તો એક વર્ષમાં અડધાથી વધારે કર્મચારીઓની નોકરી જતી રહેશે અને ત્રણ વર્ષ પછી એકેય કર્મચારી પાસે નોકરી નહીં હોય. એનું કારણ એ છે કે કર્મચારીઓને આપવામાં આવતું DA ૨૦૧૫ના સ્તર પર સ્થિર કરી દેવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓને મળતાં તમામ પ્રકારનાં ભથ્થાંઓ રદ થઈ જશે.

આ પણ વાંચો : બેસ્ટ જનતાના પૈસે દોડે છે ત્યારે લોકોને જ સજા કેમ આપો છો?

પ્રાઇવેટાઇઝેશનને પરવાનગી આપવામાં આવશે અને કર્મચારીઓના જે વિવિધ પ્રકારના વિવાદના કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે એ બધા જ વિધ્ડ્રૉ થઈ જશે. આ તમામ વાતો અમને સ્વીકાર્ય નથી. આ તમામ બાબતોને કારણે પગારવધવાની વાત દૂર રહી, વેતનમાં અધધધ ઘટાડો થઈ જશે. આ બધાને લીધે અમે હડતાળ પાછી ખેંચીશું નહીં. કોર્ટમાં અમે જવાબ આપીશું અને કોર્ટ જે આદેશ આપશે એ અમે જોઈશું.’

mumbai news brihanmumbai electricity supply and transport