થાણેમાં વેબ સિરીઝના શૂટિંગ વખતે હિરોઇન પર થયો સળિયાથી હુમલો

21 June, 2019 11:30 AM IST  |  મુંબઈ

થાણેમાં વેબ સિરીઝના શૂટિંગ વખતે હિરોઇન પર થયો સળિયાથી હુમલો

થાણેના ઘોડબંદરમાં શૂટિંગ દરમ્યાન અભિનેત્રી માહી ગિલ અને ક્રૂ-મેમ્બરો પર યુવકોએ હુમલો કરવા બાબતે અશોક પંડિતની આગેવાનીમાં ફિલ્મ-કલાકારો વિધાનભવન પર મુખ્ય પ્રધાનને મળવા ગયા હતા. તસવીર : સુરેશ કરકેરા

થાણેમાં ઘોડબંદર રોડ પર આવેલા ગાયમુખ પાસે બુધવારે બપોર પછી એક ગોડાઉન જેવી બંધ જગ્યામાં વેબ સિરીઝની એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે અચાનક આવેલા ચાર-પાંચ યુવકોએ કૅમેરામૅનથી લઈને બીજા લોકોની મારઝૂડ કરી હતી અને શૂટિંગ કરવા બદલ ૧૫,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી, એટલું જ નહીં, યુવકોએ અભિનેત્રી માહી ગિલ તરફ ધસી જઈને તેને લોખંડના સળિયાથી માર માર્યો હતો. થાણેના કાસારવડવલી પોલીસે આ મામલામાં ત્રણ જણની ધરપકડ કરી હતી.

નિર્માતા સાકેત સાવની દ્વારા નિર્માણ કરાઈ રહેલા ‘ફિક્સર’ શોનું થાણેના ઘોડબંદર રોડ પર એક બંધ જગ્યામાં શૂટિંગ ચાલી રહ્યું હતું એ વખતે અભિનેત્રી માહી ગિલ અને અન્ય કલાકારો સહિત નિર્માતા સાકેત સાવની વગેરે હાજર હતા ત્યારે અહીં શા માટે શૂટિંગ કરો છો? એમ કહીને ચાર-પાંચ યુવકો સેટ પર ધસી ગયા હતા. તેમણે શૂટિંગ માટેના સામાનની તોડફોડ કરીને લોકો પર હુમલો કર્યો હતો, જેમાં કૅમેરામૅનને ઈજા પહોંચતાં તેને મીરા રોડની ભક્તિવેદાંત હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. આ બનાવનો વિડિયો ફિલ્મ-દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયાએ ટ્વિટર પર શૅર કર્યો હતો.

આ વિડિયોમાં માહી ગિલ આરોપ કરી રહી છે કે ‘પોલીસને બોલાવાયા બાદ પોલીસે પણ હુમલો કરનારાઓનો સાથ આપ્યો હતો. આવી જાનવર જેવી મારઝૂડ મેં ક્યારેય જોઈ નથી.’

શૂટિંગ કરવા માટે લોકેશન-મૅનેજરને રૂપિયા આપવામાં આવ્યા હતા તેમ જ શૂટિંગ માટેની પરવાનગી પણ લેવામાં આવી હોવાનો દાવો શોના નિર્માતાએ કર્યો હતો છતાં લોખંડના સળિયાથી હુમલો કરીને વધારે રૂપિયાની માગણી યુવાનોએ કરી હતી. સાકેત સાવનીએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે કમ્પાઉન્ડનો મેઇન ગેટ બંધ કરીને અમારો સામાન જપ્ત કરી લીધો હતો. અમને રૂપિયા નહીં મળે ત્યાં સુધી સામાન નહીં મળે. એમ નહીં કરો તો કોર્ટમાંથી સામાન છોડાવવાનું પોલીસે કહ્યું હતું.

આ આખા પ્રકરણમાં થાણેના કાસારવડવલી પોલીસના અધિકારીએ કહ્યું હતું કે અમે સાત લોકોને તાબામાં લઈને પૂછપરછ કર્યા બાદ ત્રણ જણની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : ટ્રેનો મોડી પડવાથી પગાર કપાયો : ટિટવાળાનો રહેવાસી મધ્ય રેલવેને લીગલ નોટિસ

ગુરુવારે સવારે શોની ટીમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળી હતી. તેમણે આ મામલે પોલીસને સંપૂર્ણ તપાસ કરીને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

mahie gill devendra fadnavis thane ghodbunder road mumbai news