CSMT બ્રિજનું સમારકામ ઉતાવળે અને આડેધડ શરૂ કરવામાં આવ્યું?

08 April, 2019 12:29 PM IST  |  | અરિતા સરકાર

CSMT બ્રિજનું સમારકામ ઉતાવળે અને આડેધડ શરૂ કરવામાં આવ્યું?

CSMTનો ફુટઓવર બ્રિજ

CSMTનો ફુટઓવર બ્રિજ તૂટી પડવાના કિસ્સામાં મુખ્ય રૂપે જવાબદાર ગણવામાં આવેલા સ્ટ્રક્ચરલ ઑડિટર નીરજ દેસાઈ હાલ જુડિશ્યલ કસ્ટડીમાં છે. પરંતુ કેટલાક દસ્તાવેજો દર્શાવે છે કે એ દુર્ઘટના માટે એ બ્રિજના નવીનીકરણનું કામ કરનારી કૉન્ટ્રૅક્ટર કંપની વીતરાગ એન્ટરપ્રાઇઝ તેમ જ BMCના કેટલાક અધિકારીઓ પણ જવાબદાર હોવાની શક્યતા છે. CSMT બ્રિજ રિફર્બિશમેન્ટ પ્રોજેક્ટ માટેના પેમેન્ટ સર્ટિફિકેટ અને પર્ચેઝ ઑર્ડર જેવા દસ્તાવેજો મુજબ વીતરાગ એન્ટરપ્રાઇઝે વર્ક ઑર્ડર બહાર પાડવાનાં કેટલાંક અઠવાડિયાં પહેલાં કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

BMCના A વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરે બ્રિજ ડિપાર્ટમેન્ટને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘BMCના કમિશનર અજોય મહેતાએ 20૧૬ની ૨૫ ઑક્ટોબરે CSMT ફુટઓવર બ્રિજનનું નિરીક્ષણ કર્યું હતું. એ વખતે બ્રિજ સાવ ઢંગધડા વગરનો તથા અસ્વચ્છ દેખાતો હોવાથી એને સુંદર બનાવવા અને સજાવટ કરવાનો આદેશ અજોય મહેતાએ આપ્યો હતો. રિફર્બિશમેન્ટ પ્રોજેક્ટમાં એ વખતની ટાઇલ્સ બદલવા, હૅન્ડ રેલિંગની દુરસ્તી તથા આખા બ્રિજને રંગ લગાવવાની કામગીરીનો સમાવેશ હતો. બ્રિજની સૌંદર્યવૃદ્ધિનું કામ શરૂ કરતાં પહેલાં જો એ બાંધકામની મજબૂતાઈ અને સ્થિરતાની દૃષ્ટિએ સમારકામની જરૂર જણાય તો એ કામને પ્રાથમિકતા આપવાની સૂચના પણ આપવામાં આવી હતી.’

જોકે કમિશનરની એ મુલાકાત પછી માંડ પાંચેક દિવસોમાં વીતરાગ એન્ટન્ટરપ્રાઇઝે કામ શરૂ કરી દીધું હતું. ફુટઓવર બ્રિજના રિફર્બિશમેન્ટ પ્રોજેક્ટનું કામ 20૧૬ની ૯ નવેમ્બર અને 20૧૭ની ૩૧ માર્ચ વચ્ચે પૂરું કરવામાં આવ્યું હતું. જોકે વર્ક ઑર્ડર (પર્ચેઝ ઑર્ડર) એકાદ મહિના પછી 20૧૬ની ૨૨ ડિસેમ્બરે ઇશ્યુ કરવામાં આવ્યો હતો.

નીરજ દેસાઈના વકીલ રિઝવાન મર્ચન્ટે વીતરાગ એન્ટરપ્રાઇઝે રિફર્બિશમેન્ટની કામગીરીમાં બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી બાબતે બેદરકારી રાખી હોવાનો આરોપ મૂક્યો હતો. ઍડ્વોકેટ રિઝવાન મર્ચન્ટે જણાવ્યું હતું કે ‘વીતરાગ એન્ટરપ્રાઇઝે બ્રિજના માળખામાં છેક નીચેના સ્તર સુધીની ટાઇલ્સ સહિત બધી ટાઇલ્સ બદલી હતી. સાવ નીચેના સ્તર સુધી ટાઇલ્સ બદલવાની જરૂર નહોતી. તેમણે અગાઉની ટાઇલ્સની જગ્યાએ ૨૫થી ૩૦ મિલીમીટર જાડી ગ્રેનાઇટની ટાઇલ્સ ગોઠવતાં સ્વાભાવિક રીતે જ બ્રિજના ડેક પર વજન વધી ગયું હતું.

આ પણ વાંચો : મુંબઈ : બાંદરા-વરલી સી લિન્કના પિલર્સની વચ્ચે નેટ લગાવવામાં આવશે

સામાન્ય ટાઇલ્સ ૧૨થી ૧૫ મિલીમીટર જાડી હોય છે. પરંતુ વીતરાગ એન્ટરપ્રાઇઝ તરફથી પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવેલા સ્ટેટમેન્ટમાં નવી ટાઇલ્સ ૧૫ મિલીમીટર જાડી હોવાની વાત સહિત અનેક ખોટી વિગતો જણાવી હતી. વળી હકીકત છુપાવવા માટે BMCના વહીવટીતંત્રે દુર્ઘટના પછી ઝડપથી બ્રિજનો બચેલો ભાગ તોડી પાડ્યો હતો.’

central railway brihanmumbai municipal corporation mumbai news chhatrapati shivaji terminus