દશેરા પહેલાં ઘરેણાં બૅન્ક-લૉકરમાંથી ઘરે લાવવાની આદત ભારે પડી

18 October, 2019 11:15 AM IST  |  મુંબઈ | અનુરાગ કાંબળે

દશેરા પહેલાં ઘરેણાં બૅન્ક-લૉકરમાંથી ઘરે લાવવાની આદત ભારે પડી

બૅન્ક લોકરમાંથી ઘરેણાંની ચોરી

જાણીતી મૅચ મેકિંગ સાઇટ ‘પવિત્ર વિવાહ’ના પ્રૉપ્રાઇટર્સના ઘરે ૯.૫૦ લાખ રૂપિયાની ચોરીનો બનાવ બન્યો છે. પવિત્ર વિવાહના માલિકનો માહિમમાં ફ્લૅટ છે. તેમના એ ફ્લૅટમાં દિવસે ચોર ઘૂસી ગયા હતા અને ૯.૫૦ લાખ રૂપિયાના દાગીના ચોરી ગયા હતા. માહિમમાં આવેલા સીતાનિવાસ બિલ્ડિંગમાં કોઈ વૉચમૅન અથવા સીસીટીવી કૅમેરા ન હોવાથી ચોરોએ એનો લાભ ઉઠાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. માહિમ પોલીસે ઘટના સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

‘પવિત્ર વિવાહ’ નામથી મૅચ મેકિંગ સાઇટ ચલાવતાં ૬૩ વર્ષનાં સુનંદા કુલકર્ણી દર વર્ષે દશેરા પહેલાં બૅન્ક-લૉકરમાંથી પોતાના દાગીના ઘરે લઈ આવે છે. દિવાળી બાદ તેઓ તમામ દાગીના પાછાં લૉકરમાં મૂકી આવે છે. આ વર્ષે પણ દશેરા પહેલાં તેઓ ૯.૫૦ લાખ રૂપિયાના દાગીના ઘરે લાવ્યાં હતાં. ૧૫ ઑક્ટાબરે સુનંદા કુલકર્ણીના પુત્રએ પત્ની કંચનને ફોન કરીને ઘરનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી. કંચન ઘરે આવતાં જાણવા મળ્યું હતું કે ઘરમાંથી ૯.૫૦ લાખ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં અને કૅશ ૧૫,૦૦૦ રૂપિયાની ચોરી થઈ છે.

આ પણ વાંચો : દીપડો ટહેલતો-ટહેલતો આરે કૉલોનીના યુનિટ નંબર ૪ના ઘરને આંગણે પહોંચ્યો

કુલકર્ણીપરિવાર તાત્કાલિક માહિમ પોલીસ સ્ટેશને દોડી ગયો હતો અને અજાણ્યા શખસો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. માહિમ પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડિંગ ઘણું જૂનું છે અને વૉચમૅન કે સીસીટીવી કૅમેરા પણ નથી એટલે ચોરોએ વૉચ રાખીને આનો લાભ ઉઠાવ્યો હશે એવું લાગે છે.

mahim mumbai crime news anurag kamble