મુંબઈ: બોરીવલી પોલીસે પકડ્યો જ્વેલથીફ

13 October, 2019 11:59 AM IST  |  મુંબઈ | અનુરાગ કાંબળે

મુંબઈ: બોરીવલી પોલીસે પકડ્યો જ્વેલથીફ

પ્રતીકાત્મક તસવીર

લગભગ અઢી વર્ષ પહેલાં યોજનાબદ્ધ રીતે પૂરેપૂરી ચોકસાઈ રાખીને મુંબઈના જ્વેલરી શોરૂમમાં ચોરી કરનારી ગૅન્ગના ૩૨ વર્ષના માસ્ટરમાઇન્ડ મનીષ દેવીલાલ દરજીની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૧૨ની ટીમે ધરપકડ કરી હતી. આ ગૅન્ગના ત્રણ સભ્યોની આ પહેલાં જ ધરપકડ કરાઈ હતી. માસ્ટરમાઇન્ડની ધરપકડથી મુંબઈ, પુણે અને નાશિકમાં થયેલી ચોરીના કેસની પણ કડીઓ મળશે એમ પોલીસનું માનવું છે.

વર્ષ ૨૦૧૭ની ૧૦ એપ્રિલે ચાર અજાણ્યા શખ્સોએ બોરીવલીની જ્વેલરી દુકાનમાં લૂંટ ચલાવી ૧.૧૯ કરોડ રૂપિયાની કિંમતનું ૭.૨ કિલોગ્રામ સોનું અને ૧૨ લાખ રૂપિયા રોકડ મળીને કુલ ૧.૩૧ કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. બોરીવલી પોલીસે ચોરીનો કેસ નોંધી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. જોકે આખા પ્લાનના માસ્ટરમાઇન્ડને પકડી શકાયો નહોતો.

તપાસ દરમ્યાન ત્રણે આરોપીઓ રાજસ્થાનના ભ‌િનમાલ ગામના હોવાનું જણાતાં પોલીસે માસ્ટરમાઇન્ડને રાજસ્થાનમાં શોધવાનું ચાલુ રાખ્યું હતું. એવામાં ઑક્ટોબર મહિનામાં માસ્ટરમાઇન્ડ નામ અને ઓળખ બદલીને મુંબઈ આવ્યો હોવાની માહિતી મળતાં પોલીસે છટકું ગોઠવીને મલાડની દિંડોશી માર્કેટમાંથી મનીષ દરજીની ધરપકડ કરી હતી.

મનીષ પહેલાં ચોક્કસ દુકાનની રેકી કરી એમાં કોઈ ટીનેજરને કામ પર બેસાડતો હતો. આ ટીનેજરે માલિકનો દુકાનમાં અને ઘરમાં માલિકની પત્નીનાં નાનાં-મોટાં કામ કરી તેમનો વિશ્વાસ જીતવાનો રહેતો હતો. ત્યાર બાદ યોગ્ય સમય જોઈ તે પોતાના સાથીઓને બોલાવી દુકાનમાં લૂંટ ચલાવતો હતો.

આ પણ વાંચો : PMC બેન્કના ડિરેક્ટર જૉય થોમસે ઇસ્લામ અપનાવીને PA સાથે બીજા લગ્ન કર્યા હતા

આ જ રીત વાપરીને ભિનમાલ ગૅન્ગે ૨૦૧૧માં દિંડોશીમાં (૧૨ લાખ રૂપિયાની), ૨૦૧૨માં નવઘર થાણેમાં (૭.૫૧ લાખ રૂપિયાની), ૨૦૧૩માં વિલે પાર્લેમાં (૯.૦૯ લાખ રૂપિયાની), ૨૦૧૩માં વી. પી. રોડમાં (૨૦ લાખ રૂપિયાની) અને ૨૦૧૬માં ધારાવીમાં (૬.૨૨ લાખ રૂપિયાની) લૂંટ કરી હતી.

mumbai news anurag kamble borivali mumbai crime news