યુવતી સાથે ડેટિંગ કરવા માગતા સિનિયર સિટિઝન સાથે 46 લાખની છેતરપિંડી થઈ

01 April, 2019 08:36 AM IST  |  | અનુરાગ કાંબળે

યુવતી સાથે ડેટિંગ કરવા માગતા સિનિયર સિટિઝન સાથે 46 લાખની છેતરપિંડી થઈ

પ્રતીકાત્મક તસવીર

યુવાન છોકરી સાથે ડેટિંગ કરવાની લાલચમાં મલાડમાં રહેતા ૬૫ વર્ષની વયના એક માણસે એક વેબસાઇટનો સંપર્ક કરતાં તેની સાથે લગભગ ૪૬ લાખ રૂપિયાની છેતરપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પોતાની સાથે છેતરપિંડી થઈ છે એ ધ્યાન પર આવતાં આ પરિણીત વ્યક્તિએ પોતાના પૈસા પાછા મેળવવા કોશિશ કરી, પરંતુ વેબસાઇટ પરથી કોઈ જવાબ ન મળતાં છેવટે કંટાળીને તેણે કુરાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ નોંધીને ગુનેગારોને શોધી રહી છે.

આ ઘટના વિશે ‘મિડ-ડે’ને વિગતે જણાવતાં કુરાર પોલીસ-સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે ‘મે-૨૦૧૮માં એક વેબસાઇટ www.locanto.net પર ક્લાસિફાઇડની જાહેરખબર જોતાં છેતરપિંડીનો ભોગ બનેલા સિનિયર સિટિઝને એક સાઇટ પર ક્લિક કર્યું હતું. અહીં તેને છોકરીઓ સાથે મિત્રતા કરવાની લાલચ દેખાડી મીરા નામની છોકરીએ ત્રણ છોકરીઓના ફોટામાંથી એકની પસંદગી કરવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ પસંદગીની છોકરીને મળવા માટે, એક વર્ષ સુધી તેની સાથે મિત્રતા કાયમ રાખવા માટે ગુપ્તતાના કરાર, વિડિયો કૉલ ઇન્શ્યોરન્સ ફી, પ્રોફાઇલ વેરિફિકેશન ફી, પ્રીમિયમ મેમ્બરશિપ જેવાં વિવિધ કારણો આગળ કરીને પૈસાની માગણી કરી. થોડા પૈસા ભર્યા બાદ તેને એક છોકરી (રોઝી)નો નંબર આપવામાં આવ્યો, જેની સાથે ફરિયાદીએ બે કે ત્રણ વખત વાત કરી.

આ પણ વાંચો : મુંબઈઃકિરીટ સોમૈયાનું હવે પાકું થતું લાગી રહ્યું છે

લગભગ ૪૬ લાખ રૂપિયા પડાવી લીધા બાદ અચાનક જ તેને ફોન આવતા બંધ થઈ ગયા અને કોશિશ કરવા છતાં મીરા કે રોઝીનો સંપર્ક થઈ શક્યો નહીં. વેબસાઇટના અન્ય સેક્શનમાં સાઇટ વિશે નકારાત્મક અભિપ્રાયો જોતાં છેતરાયાની લાગણી થઈ. પૈસા પાછા મેળવવા મીરા અને રોઝીને ફોન કર્યા હતા, પરંતુ કોઈ જવાબ ન આવતાં અંતે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.’

malad mumbai crime news