ગુમ કિશોરીને શોધવામાં નિષ્ફળ પોલીસ વિરુદ્ધ ટોળું વીફર્યું

23 October, 2019 11:55 AM IST  |  મુંબઈ | અનુરાગ કાંબલે

ગુમ કિશોરીને શોધવામાં નિષ્ફળ પોલીસ વિરુદ્ધ ટોળું વીફર્યું

પાંચારામ રિઠડિયાની અંતિમ યાત્રા સમયે વીફરેલું ટોળું

ચેમ્બુરમાં ગઈ કાલે બપોરે ૪૪ વર્ષના પાંચારામ રિઠડિયાની અંતિમયાત્રા સમયે રોષે ભરાયેલા ટોળાએ રસ્તા પર પથ્થરમારો કર્યો હતો અને ટ્રાફિકને ખોરવ્યો હતો. પોલીસ પોતાની કિશોર દીકરીની શોધ કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો દાવો કરીને રિઠડિયાએ આત્મહત્યા કરી હતી. આને કારણે રોષે ભરાયેલા અંદાજે ૨૦૦૦ના ટોળાએ બે કલાક સુધી ટ્રાફિકને બાનમાં લીધો હતો, વાહનોની તોડફોડ કરી હતી અને પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે કેટલાની માલમતાને નુકસાન પહોંચાડ્યું હતું અને કેટલાની અટક કરવામાં આવી હતી એ અંગે કોઈ ખુલાસો નહોતો કર્યો.

ચેમ્બુરના ટિળકનગર વિસ્તારમાં રહેતા રિઠડિયાએ કથિત રીતે એવો દાવો કર્યો હતો કે તેની ૧૭ વર્ષની દીકરી આરતીનું અપહરણ એક ચોક્કસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને પોલીસે તેની દીકરીને શોધવાના કોઈ પ્રયાસ નહોતા કર્યા. પોલીસે એ સમયે તે પરિવારજનોના પાંચ સભ્ય વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો હતો અને તપાસ દરમ્યાન એવું જાણવા મળ્યું હતું કે કિશોરી તેની મરજીથી ઘર છોડીને ગઈ હતી. પોલીસે કોઈ પણ કાર્યવાહી કરી ન હોવાથી ૧૩ ઑક્ટોબરે રિઠડિયાએ આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક પાંચારામ રિઠડિયા

વડાલા જીઆરપીએ રિઠડિયાએ આત્મહત્યા કરી એ માટે પણ એ જ પરિવાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ સાયન હૉસ્પિટલના મોર્ગમાં રાખવામાં આવેલા રિઠડિયાના મૃતદેહને સ્વીકારવા માટે પરિવારજનોએ નકારી દીધું હતું અને આરતીની શોધ ન કરવા બદલ પોલીસનો વિરોધ કર્યો હતો. આ અંગેનો અહેવાલ ‘મિડ-ડે’એ ૧૮ ઑક્ટોબરે પ્રકાશિત કર્યો હતો. રિઠડિયાના પરિવારજનોને ન્યાય મળે એ માટે ઠક્કરબાપા કૉલોનીના રહેવાસીઓએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય કર્યો હતો.

મંગળવારે જ્યારે રિઠડિયાની સ્મશાનયાત્રા જઈ રહી હતી ત્યારે તેમના પરિવારજનો તેમ જ સ્થાનિક રહેવાસી સહિત ૨૦૦૦ લોકોના ટોળાએ પોલીસની નિષ્ક્રિય કાર્યવાહી અને રિઠડિયાની આત્મહત્યાને લઈને ધમાલ મચાવી હતી. ટોળાએ મુંબઈ પોલીસ વિરુદ્ધ નારા પોકારીને એવું કહ્યું હતું કે જો નેહરુ નગર પોલીસ સમયસર પગલાં લઈ શકી હોત તો રિઠડિયા આજે જીવતા હોત. વીફરેલા ટોળાએ અંદાજે બે કલાક સુધી ટ્રાફિકને બાનમાં રાખ્યો હતો અને વાહનોની તોડફોડ કરીને ચક્કાજામ કર્યા હતા. વધારાની પોલીસ ઘટનાસ્થળે પહોંચી શકે એમ ન હોવાનો લાભ ટોળાએ લઈને પોલીસ પર પણ હુમલો કર્યો હતો. આખરે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો એવું એક અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : મુંબઈના ઓછા વોટિંગનું વિલન છે ઇલેક્શન વેકેશન

ટોળાએ કરેલી ધમાલને કારણે કેટલાનું નુકસાન થયું છે તેની જાણકારી પોલીસે આપી નહોતી કે કેટલા પોલીસ કર્મચારી ટોળા દ્વારા થયેલા હુમલામાં ઘાયલ થયા છે એની કોઈ માહિતી આપી નહોતી. ચેમ્બુર પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારી જયપ્રકાશ ભોસલેએ કહ્યું હતું કે એફઆઇઆર નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.

mumbai news chembur mumbai police wadala suicide anurag kamble