...જ્યાં ન પહોંચી પોલીસ ત્યાં પહોંચી ડિટેક્ટિવ મહિલાઓ

18 October, 2019 07:05 AM IST  |  મુંબઈ | અનુરાગ કાંબળે

...જ્યાં ન પહોંચી પોલીસ ત્યાં પહોંચી ડિટેક્ટિવ મહિલાઓ

ચોરને પકડનાર ૧૮ મહિલાઓ પૈકીની ૧૦

ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં સાવ ટૂંકા ગાળામાં રૂપિયા બમણા કરી આપવાની લાલચ આપીને રફુચક્કર થઈ ગયેલા મુકરમ અન્સારી નામના ઠગને ભાંડુપની ૧૮ મહિલાઓએ બુધવારે ગ્રાન્ટ રોડની હોટેલમાંથી ઊંઘતો ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે અન્સારીની સાગરીત મીના જાધવ અને કનિકા ગમરે નામની મહિલાઓની પણ ધરપકડ કરી છે. છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાઓમાં ગૃહિણીઓ ઉપરાંત નોકરી-વ્યવસાય કરતી મહિલાઓનો પણ સમાવેશ છે.

ઠગાઈનો ભોગ બનેલી મહિલાઓમાંથી એક વંદના ધુરંધરે જણાવ્યું હતું કે ‘ભાંડુપ-કાંજુર માર્ગની રહેવાસી ૧૮ મહિલાઓએ ૨૦૧૭ના સપ્ટેમ્બર મહિનાની આસપાસના ગાળામાં ૧૫,૦૦૦થી ૨૫,૦૦૦ રૂપિયા સુધીની રકમો મુકરમ અન્સારીને આપી હતી, પરંતુ ત્યાર પછી તેમનાં નાણાંનું શું થયું એ જણાવવા મુકરમ તરફથી કોઈ સમાચાર મળતા નહોતા અને તેનો સંપર્ક પણ અશક્ય બન્યો હતો. મુકરમ પાસે વારંવાર માગણીઓ કરવામાં આવતાં તેણે ૨૦૧૮ની ૧૧ ડિસેમ્બરે એ મહિલાઓને ૧૫ લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો, પરંતુ બૅન્કમાં જમા કરવામાં આવતાં એ ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.’

ઉક્ત ૧૮ મહિલાઓમાંથી એક માધવી કાંબળે નામની મહિલાએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ત્યાર પછી પૈસા પાછા મેળવવા માટે અમે મુકરમનો સંપર્ક સાધવાના કરેલા પ્રયાસો નિષ્ફળ જતાં ૨૦૧૯ની બીજી એપ્રિલે તેમણે કાંજુર માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મુકરમ વતી પૈસા ભેગા કરનારી મીના જાધવ નામની મહિલાની ધરપકડ કરી હતી, પરંતુ મીના દસ દિવસમાં જામીન પર છૂટી ગઈ હતી. પોલીસે મુકરમને પકડવા માટે અમને પણ પ્રયાસ કરવા કહ્યું હતું. એ સંજોગોમાં અમે તપાસ કરતાં-કરતાં ફેબ્રુઆરી મહિનામાં કનિકા ગમરે નામની મુકરમની સાગરીતને શોધતાં ઘાટકોપરના રમાબાઈ નગરમાં પહોંચ્યાં હતાં. ત્યાં જાણવા મળ્યું કે કનિકા એ ઘર છોડીને ડોમ્બિવલીના ગણેશનગરમાં રહેવા ગઈ છે. ૧૪ ઑક્ટોબરે કનિકાને ઝડપીને તેની પાસેથી મુકરમના ડ્રાઇવરનો ફોન નંબર લીધો હતો.

ડ્રાઇવર પાસેથી જાણવા મળ્યું કે મુકરમ ગ્રાન્ટ રોડની કોઈ હોટેલમાં છુપાયો છે. અમે બુધવારે પરોઢિયે અઢી વાગ્યે એ હોટેલમાં પહોંચીને મુકરમને પકડીને કાંજુર માર્ગ પોલીસ સ્ટેશનમાં સુપરત કર્યો હતો. ફોર્જરીના આરોપસર પકડાયેલા મુકરમને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મૅજિસ્ટ્રેટે તેને પાંચ દિવસ પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.’

પોલીસને અમારા કેસમાં રસ નથી એવું લાગતાં અમે અમારી જાતે તપાસ કરવાનું શરૂ કર્યું. ઘાટકોપરમાં રહેતી એક મહિલાને અમારા પૈસા આપવામાં આવ્યા હોવાની અમને ખબર પડી. અમે તેના ઘરને શોધીને અમારું કાર્ય પાર પાડ્યું

- વંદના ધુરંધર

mumbai crime news bhandup Crime News anurag kamble