રૂ.૧૩૮ કરોડના ખર્ચે અંધેરીના બીમાર ગોખલે બ્રિજની વાઢ-કાપ હાથ ધરાશે

21 February, 2020 08:58 AM IST  |  Mumbai Desk | Prajakta Kasale

રૂ.૧૩૮ કરોડના ખર્ચે અંધેરીના બીમાર ગોખલે બ્રિજની વાઢ-કાપ હાથ ધરાશે

અંધેરીનો ગોખલે બ્રિજ. (ફાઈલ તસવીર)

૨૦૧૮ની ત્રીજી જુલાઈએ થોડો ભાગ તૂટી પડ્યા પછી અંધેરી રેલવે સ્ટેશન પરનાં વાહનો માટેના ફ્લાયઓવર બ્રિજના સમારકામ અને કેટલાક ભાગના પુનર્બાંધકામ માટે ટ્રાફિકને ખલેલ ન પડે એવી પદ્ધતિ અપનાવવામાં આવશે. બ્રિજને કાપીને એના બે ભાગ કર્યા બાદ વારાફરતી બન્ને ભાગનું સમારકામ કરવામાં આવશે. સમારકામ અને પુનર્બાંધકામ માટે એ બ્રિજ વાહનવ્યવહાર માટે સાવ બંધ કર્યા વગર કામગીરી પાર પાડવામાં આવશે. ૧૩૮ કરોડ રૂપિયાના ખર્ચે ગોખલે બ્રિજના પુનર્બાંધકામની દરખાસ્તને પાલિકાની સ્થાયી સમિતિએ ૧૧ ફેબ્રુઆરીએ બહાલી આપી હતી.
મુંબઈ મહાનગરપાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગોખલે બ્રિજનું બાંધકામ એ પ્રકારનું છે કે એની માળખાકીય મજબૂતાઈને અસર ન થાય એ રીતે એને વચ્ચેથી કાપી શકાય એમ છે. બ્રિજના બન્ને ભાગમાં દરેકની પહોળાઈ ૧૦.૫ મીટરની છે. દરેક ભાગમાં ત્રણ લેન છે. સમારકામ અને પુનર્બાંધકામની કામગીરી માટે બ્રિજને કાપવાનું કામ ડાયમન્ડ કટર મશીન વડે કરવામાં આવશે. એ મશીન વડે બ્રિજના બીજા ભાગની માળખાકીય સક્ષમતાને ખલેલ પાડ્યા વગર કૉન્ક્રીટ પાર્ટ કાપી શકાશે.’
મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘કૉન્ટ્રૅક્ટરને વર્ક ઑર્ડર ઇશ્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરેક બાબત યોજનાબદ્ધ રીતે પાર પડે તો બે મહિનામાં કામ શરૂ થશે અને ત્યાર પછી ૧૮ મહિનામાં પૂરું થશે.’
લોઅર પરેલના ડિલાઇલ બ્રિજની માફક મુંબઈ મહાનગરપાલિકા અડધો બ્રિજ કાપીને ફક્ત ઢોળાવના ભાગનું પુનર્બાંધકામ કરશે. એનું ફરી બાંધકામ કર્યા બાદ બીજો ભાગ તોડીને એનું કામ કરવામાં આવશે અને ત્યાર પછી બન્ને ભાગ જોડવામાં આવશે.’

prajakta kasale andheri mumbai news mumbai