મુંબઈ: ભિવંડી પેપર-લીકના મામલે કેટલાક પેરન્ટ્સની થશે તપાસ

23 March, 2019 08:33 AM IST  |  | અનામિકા ઘરત

મુંબઈ: ભિવંડી પેપર-લીકના મામલે કેટલાક પેરન્ટ્સની થશે તપાસ

પેપર વૉટ્સએપ પર થયું લીક

ભિવંડીમાં એસએસસીના પેપર-લીકના કેસમાં સ્ટુડન્ટ્સના પેરન્ટ્સની ભૂમિકાની તપાસ કરવાનો નિર્ણય પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. પેરન્ટ્સની આવા કેસમાં પઁછપરછ કરવામાં આવે એવું આ પહેલી વખત થઈ રહ્યું છે. અત્યાર સુધી પેપર-લીકના મામલે ફક્ત પેપર-લીક કરનારા અને સ્ટુડન્ટ્સ સામે જ ઍક્શન લેવામાં આવતી હતી; પરંતુ પહેલી વખત પોલીસે પેરન્ટ્સ સામે ઍક્શન લેવાનું નક્કી કર્યું છે, કેમ કે પેરન્ટ્સે જ પેપર ખરીદીને પોતાનાં સંતાનોને આપ્યાં હતાં. આ ઉપરાંત પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે જે સ્ટુડન્ટ્સ પાસેથી આ પેપર મળ્યાં હતાં તેઓ ભણવામાં સારા હતા અને તેમને આવું કરવાની કોઈ આવશ્યકતા નહોતી.

ભિવંડીના આ ક્લાસિસના માલિક વઝીર રહેમાન શેખની અરેસ્ટ કરી છે.

ભિવંડીનાં બે અલગ-અલગ પોલીસ-સ્ટેશનોમાં એસએસસીનાં કુલ પાંચ પેપર લીક થયાં હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ સંદર્ભે‍ પોલીસે ભિવંડીના જ કૅરિયર ક્લાસિસના માલિક વઝીર રહેમાન શેખની વૉટ્સઍપ પર પેપર મોકલવા બદલ અરેસ્ટ કરી છે.

આ પેપરની ખરીદી કેટલાક કિસ્સામાં સ્ટુડ્ન્ટ્સના પેરન્ટ્સ દ્વારા જ કરવામાં આવી હતી એમ જણાવતાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘જ્યારે અન્ય કેટલાક કિસ્સામાં સ્ટુડન્ટ્સના પેરન્ટ્સને એ વાતની જાણ હતી કે તેમનાં સંતાનો પૈસા આપીને પેપર ખરીદી રહ્યા છે અને તેમની એમાં સંમતિ હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને પેરન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે.’

આ પણ વાંચો : નાલાસોપારાના બીચ પર હોળી મનાવવા ગયેલા બે પરિવાર પર આફત આવી

સમગ્ર પ્રકરણ અંગે ડીસીપી ઝોન-૨ અંકિત ગોયલે કહ્યું હતું કે ‘આ કેસની બધી કડીઓને જોડવામાં આવી રહી છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તે મુખ્ય આરોપી નથી. અમે મુખ્ય આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ કેસમાં અમે સ્ટુડન્ટ્સ અને તેમના પેરન્ટ્સ સહિત બધા જ લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ. આ અમારી તપાસનો ભાગ છે.’

bhiwandi mumbai news mumbai crime news mumbai police