ટ્રેનો મોડી પડવાથી પગાર કપાતા આ વ્યક્તિએ મધ્ય રેલવેને લીગલ નોટિસ મોકલી

21 June, 2019 11:20 AM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

ટ્રેનો મોડી પડવાથી પગાર કપાતા આ વ્યક્તિએ મધ્ય રેલવેને લીગલ નોટિસ મોકલી

શેખર કપુરેએ મધ્ય રેલવેને કોર્ટ નોટિસ મોકલી

વારંવાર ટ્રેનો, સિગ્નલ સિસ્ટમ કે અન્ય વ્યવસ્થામાં ટેક્નિકલ ખામીથી પ્રવાસમાં પરેશાનીને કારણે મધ્ય રેલવે સામે કાનૂની કાર્યવાહીની તૈયારી ટિટવાળાના રહેવાસી ૫૯ વર્ષના શેખર કપુરેએ કરી છે. ટ્રેન-સર્વિસીસની અવ્યવસ્થા તથા અનિયમિતતાને કારણે શેખર કપુરેને ઑફિસમાં પહોંચવામાં વારંવાર લેટ માર્કને લીધે પગાર કપાતો હોય છે. એ પરેશાનીથી રોષે ભરાયેલા શેખર કપુરેએ મધ્ય રેલવેને કોર્ટ નોટિસ મોકલવાની તૈયારી કરી છે.

ડાયાબિટીઝની વ્યાધિ ધરાવતા નિવૃત્ત શિક્ષક શેખર કપુરે બીમાર પત્ની સાથે ટિટવાળામાં રહે છે અને દર મહિને ૬૦૦૦ રૂપિયા કમાય છે, પરંતુ એ ૬૦૦૦ રૂપિયાના પગાર માટે તેમણે રોજ ટિટવાળાથી ઑફિસ અને ઑફિસથી ટિટવાળા સુધી ચાર કલાક પ્રવાસ કરવો પડે છે. ઑફિસમાં તેમણે દસ કલાક કામ કરવું પડે છે. દર મહિને આવક અને ઘરખર્ચના બે છેડા ભેગા કરતાં નાકે દમ આવતો હોય ત્યારે ઑફિસમાં મોડા પહાંેચવા બદલ વારંવાર પગારમાં કપાત સહન કરવી પડે છે.

રેલવેની અનિયમિતતાને લીધે પડતી હાલાકી વિશે શેખર કપુરે કહે છે કે ‘ગયા અઠવાડિયે રોજ ટ્રેનો મોડી દોડતી હતી. હું કરી રોડસ્થિત ઑફિસમાં ૧૧.૩૦ વાગ્યે પહોંચવા માટે રોજ સવારે ૯.૪૧ વાગ્યે ટિટવાળાથી ટ્રેન પકડું છું. વરસાદને કારણે મોડું થતાં કરી રોડ સ્ટેશને ૧૧.૪૦ વાગ્યે પહોંચતો હતો અને ઑફિસમાં પહોંચતાં બાર વાગી જતા હતા. વરસાદને કારણે ચાર દિવસ ઑફિસમાં મોડો પહોંચવાને કારણે મારો બે દિવસનો પગાર ૪૫૦ રૂપિયા કપાતાં મને ઘણી મુશ્કેલી પડી હતી. મારે માટે એ રકમ મહkવની છે. સાંજે પણ ટેક્નિકલ ખામીઓને કારણે ટ્રેનોના ધાંધિયા હોવાથી ઘરે મોડો પહોંચું છું.’

કોર્ટ પ્રોસીજર્સના જાણકાર શેખર કપુરેએ પરેશાનીના ઉકેલ માટે કાયદાનો માર્ગ અપનાવ્યો છે. તેમણે ત્રણ દિવસ પહેલાં સીએસએમટીસ્થિત મધ્ય રેલવેના વડા મથકે સમસ્યાની ફરિયાદનો સામાન્ય પત્ર મોકલ્યો હતો. પત્રમાં ટ્રેનોમાં વિલંબનાં કારણો જણાવવા અને નુકસાન બદલ વળતર ચૂકવવાની માગણી કરી હતી, પરંતુ એ પત્રનો કોઈ જવાબ મળ્યો નહોતો. હવે એકાદ-બે દિવસમાં શેખર કપુરે તેમને કોર્ટ નોટિસ મોકલશે. દરમ્યાન અન્ય પ્રવાસીઓએ પણ શેખર કપુરેના આ પગલાની પ્રશંસા કરતાં મધ્ય રેલવેને લીગલ નોટિસો મોકલવા અને કન્ઝ્યુમર કોર્ટમાં કેસ ફાઇલ કરવાની તૈયારી કરી છે.

આ પણ વાંચો : નવસારી: દીકરાને ભણાવવા માટે હું કિડની વેચવા પણ તૈયાર

શેખર કપુરેની કાનૂની કાર્યવાહી બાબતે મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારી એ.કે. જૈને જણાવ્યું હતું કે ‘અમે તેમની કોર્ટ નોટિસનો કાયદેસર જવાબ આપીશું. રેલવે તંત્રમાં દરેક વિલંબનું કારણ હોય છે. અનેક સમસ્યાઓ છતાં અમે ટ્રેન-સર્વિસીસનું ઉમદા સંચાલન કરીએ છીએ.’

mumbai mumbai news central railway