મુંબઈ: સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ બાબતે બેદરકારી

08 May, 2019 12:29 PM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

મુંબઈ: સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ બાબતે બેદરકારી

ગંદું પાણી

સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ બાબતે સર્વોચ્ચ અદાલતની સૂચનાઓનું પાલન નહીં કરવા બદલ કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા, અંબરનાથ નગર પરિષદ, બદલાપુર મહાનગરપાલિકા અને ઉલ્હાસનગર મહાનગરપાલિકાને મહારાષ્ટ્ર પૉલ્યુશન કંટ્રોલ બોર્ડે સાત દિવસોમાં જવાબ આપવાની શરતે નોટિસ મોકલી છે. સર્વોચ્ચ અદાલતે મહાનગરપાલિકાઓને ગંદું પાણી - સ્યુએજ આસપાસની નદીમાં ઠાલવતાં પહેલાં એના શુદ્ધીકરણ-ટ્રીટમેન્ટની પ્રક્રિયા કરવાની સૂચના આપી હતી. ઉપરોક્ત ત્રણ મહાનગરપાલિકાઓ શુદ્ધીકરણ-ટ્રીટમેન્ટ વગર સ્યુએજના પદાર્થો સંબંધિત નદીઓમાં ઠાલવતી હતી.

રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ મંડળ - પૉલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસમાં સર્વોચ્ચ અદાલતની સૂચનાઓનું પાલન નહીં કરવાના કારણો જણાવવાની સૂચના સાથે જો કારણો સંતોષકારક ન જણાય તો કડક કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે. અગાઉ પર્યાવરણ ખાતાના પ્રધાન સચિવે ઉક્ત મહાનગરપાલિકાઓ સૂચનાઓનું પાલન કરે છે કે નહીં એની તપાસ માટે સમિતિ સ્થાપવાનો આદેશ આપ્યો હતો. એ સમિતિએ કરેલી તપાસમાં ઉપરોક્ત ચાર મહાનગરપાલિકાઓએ સર્વોચ્ચ અદાલતની સૂચનાઓનું પાલન ન કર્યું હોવાનું સિદ્ધ થયું હતું.

બદલાપુર નગરપાલિકાનું રોજનું અંદાજે ૧૩૦ લાખ લિટર સ્યુએજ હેન્દ્રેપાડાના નાળા દ્વારા ઉલ્હાસ નદીમાં ઠલવાતું હતું. અંબરનાથ નગરપાલિકાનું રોજનું ૬૦ લાખ લિટર સ્યુએજ નાળા દ્વારા વાલધુની નદીમાં ઠલવાય છે. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા આઠ નાળાનું ગંદું પાણી ત્રણ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં ડાઈવર્ટ કરવામાં નિષ્ફળ ગઈ હતી.

આ પણ વાંચો : મુંબઈ: અનેક ચીમકીઓ અપાયા છતાં ફ્લૅટ ખાલી ન કર્યો

પૉલ્યુશન કંટ્રોલ બોર્ડની નોટિસ વિશે ટિપ્પણનો અંબરનાથ, ઉલ્હાસનગર અને બદલાપુર સુધરાઈઓના અધિકારીઓએ ઇનકાર કર્યો હતો, પરંતુ કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના અધિકારી બબન સરાફે જણાવ્યું હતું કે ‘નવો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની અમારી યોજના પેન્ડિંગ છે. સ્થાનિક રહેવાસીઓના વિરોધને કારણે યોજના શરૂ કરી શકાઈ નથી. અમે ધીમે ધીમે અમારું સ્યુએજ ટ્રીટમેન્ટનું કામ શરૂ કરીશું.’

kalyan dombivli ulhasnagar badlapur ambernath supreme court mumbai news