ONGCના ઉરણ પ્લાન્ટમાં નેપ્થાના લીકેજને કારણે ગામોમાં ગભરાટ ફેલાયો

26 September, 2019 12:18 PM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

ONGCના ઉરણ પ્લાન્ટમાં નેપ્થાના લીકેજને કારણે ગામોમાં ગભરાટ ફેલાયો

ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી)ના નવી મુંબઈના ઉરણ પ્લાન્ટમાંથી એક મહિનામાં બીજી વખત નેપ્થા ગૅસના લીકેજની ઘટનાને પગલે આસપાસનાં ગામોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ફરી એક વખત એ ગામડાંના રહેવાસીઓએ ઘરમાં પડ્યા રહેવું પડ્યું હતું અને રસોઈ બનાવ્યા વિના આખો દિવસ પસાર કરવો પડ્યો હતો. તેમને ઓએનજીસીના તંત્ર કે સરકારી તંત્ર તરફથી કોઈ પ્રકારની સહાયતા પણ પ્રાપ્ત થઈ નહોતી.

બુધવારે ઉરણ પ્લાન્ટમાં નેપ્થા ગૅસ લીક થયા પછી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાતાં ઓએનજીસીએ એ આખો વિસ્તાર સીલ કરી દીધો હતો.

ગામવાસીઓમાં ભય ન ફેલાય એ માટે ઓએનજીસીએ બુધવારે સવારે ગૅસ લીકેજના અહેવાલોને રદિયો આપતાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્‌વિટર પર જણાવ્યું હતું કે ‘વહેલી સવારે ઓએનજીસી ઉરણ પ્લાન્ટમાં હાઇડ્રોકાર્બન્સની ગંધ આવી રહી હતી જે સતત વરસી રહેલા વરસાદને કારણે પ્રસરી હતી. લીકેજ નથી થયું. સાવચેતીનાં તમામ પગલાં લેવાયાં છે. પ્લાન્ટ રોજિંદા ધોરણે ચાલી રહ્યો છે. ભયનું કોઈ કારણ નથી.’

આ પણ વાંચો : મુંબઈ : ચૂંટણીને લીધે બદલાઈ શકે દિવાળી વેકેશનની તારીખ

ઓએનજીસીનાં સૂત્રોએ ટ્‌વિટર પર લખેલી પોસ્ટમાં વિસ્તારના તમામ નાગરિકોને ચિંતા ન કરવા સાથે તેમના ઘરના ગૅસના ટેબ એક દિવસ માટે બંધ રાખવાની અને ઘરે રહેવાની તાકીદ કરી હતી. આગની કોઈ ઘટના ન બને એ માટે ઓએનજીસીના અધિકારીઓએ તમામ નાળાંઓ પર ફોમનો છંટકાવ કર્યો છતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો

navi mumbai mumbai mumbai news