શહેરના તમામ કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ મળશે

15 October, 2019 03:16 PM IST  |  મુંબઈ ડેસ્ક | પલ્લવી સ્માર્ત

શહેરના તમામ કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ મળશે

તસવીર સૌજન્ય ઇન્ડિયન એડયકેશન ન્યૂઝ ડૉટ કૉમ

મહારાષ્ટ્ર ક્લાસ ઓનર્સ અસોસિએશનની મીટિંગમાં રાજ્ય સરકાર કોઈ પૉલિસી બનાવે એ પહેલાં શિક્ષકોના ભણતરથી માંડીને ફાયર સેફ્ટી સુધીની નીતિ તૈયાર કરવામાં આવી

મુંબઈ : મહારાષ્ટ્ર રાજ્ય સરકાર ખાનગી કોચિંગ ક્લાસિસને નિયંત્રિત કરવા નીતિ તૈયાર કરી રહી છે ત્યારે મહારાષ્ટ્ર ક્લાસ ઓનર્સ અસોસિએશન (એમસીઓએ)એ ઓછામાં ઓછાં ધોરણો સુનિશ્ચિત કરીને ચાર્ટર તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે, જે તેમને સ્વનિયમનકારી સંસ્થા બનવામાં મદદરૂપ થશે.
કોચિંગ ક્લાસિસમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સના શિક્ષણની ગુણવત્તા, સલામતી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે શહેરના કોચિંગ ક્લાસિસની કામગીરીના ઓછામાં ઓછાં ધોરણો રહેશે. કોચિંગ ક્લાસિસ માટેની રાજ્ય સરકારની પૉલિસી લાંબા સમયથી અટવાઈ રહી છે. લઘુતમ ફી સ્ટ્રક્ચરથી માંડીને શિક્ષકોના ઓછામાં ઓછા ભણતર તેમ જ ચોક્કસ ધોરણો, ફાયર સેફ્ટી અને છોકરા તથા છોકરીઓ માટે અલગ શૌચાલય દ્વારા સ્ટુડન્ટ્સને સ્વચ્છતા પૂરી પાડવા ઉપરાંત અન્ય ધોરણો પણ ઠરાવાયાં છે.
શનિવારે એમસીઓએ દ્વારા આયોજિત સંમેલનમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો મૂળ હેતુ અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણમાં કોચિંગ ક્લાસિસનું અસ્તિત્વ ટકાવવા વિશે ચર્ચા કરવાનો હતો. આ સંમેલનમાં વસઈ-વિરાર-દહાણુ અને મીરા-ભાઈંદર ઝોનમાંથી ૩૦૦ જેટલા વિવિધ ક્લાસિસના માલિકોએ ભાગ લીધો હતો. એમસીઓએ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનું સંમેલન યોજવા માગે છે. એમસીઓએના પ્રમુખ સચિન કર્ણાવતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એમસીઓએ સ્વ-નિયમનકારી સંસ્થા બનવા માગે છે જેથી કામગીરીનાં ઓછામાં ઓછાં ધોરણો સુનિશ્ચિત કરે જેનાથી કોચિંગ ક્લાસના આ ઉદ્યોગને ઘટતું માન મળી શકે. ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન કરાય એ માટે અમે ઓછામાં ઓછી ગુણવત્તા ધરાવતાં ધોરણો પર કામ કરી રહ્યા છીએ.’
આ સંમેલનમાં ટેક્નૉલૉજી અપનાવવા, સહેલાઈથી રોજગાર મળી શકે એ માટે વિદ્યાર્થીઓને પૂરક કૌશલની તાલીમ આપવા જેવા અન્યા વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આજના દિવસની જરૂરિયાત હોવાથી કોચિંગ ક્લાસિસનો કોઈ વિકલ્પ નથી, પરંતુ જે ઝડપે નવા કોચિંગ ક્લાસિસ ખૂલી રહ્યા છે એથી અમે નથી ઇચ્છતા કે શિક્ષણનાં ધોરણો એટલાં બધાં નીચાં જાય કે સારી ગુણવત્તાનું શિક્ષણ જ ન મળી શકે અને આ સંજોગોમાં અમે એટલું જ કરી શકીએ છીએ કે ઓછામાં ઓછાં ધોરણો નિશ્ચિત કરીએ જેથી શહેરમાં સ્ટુડન્ટ્સને ગુણવત્તાનું શિક્ષણ મળી શકે. અસોસિએશનના સભ્યો લઘુતમ ધોરણો સુનિશ્ચિત કરવા પર કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં એને આખરી ઓપ આપવામાં આવશે.
બિલાડીના ટોપની જેમ ઠેર-ઠેર શરૂ થઈ રહેલા કોચિંગ કલાસિસને નિયંત્રિત કરવા કાચો મુસદ્દો ૨૦૧૬માં જ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ચર્ચા ચાલી રહી છે ત્યાં સુધી કાચા મુસદ્દાને ખરડો બનાવવાની દિશામાં આગળ કોઈ કાર્યવાહી કરાઈ નથી.

mumbai mumbai news